શનિવારની સાંજે એક કોમના એક બાઈક ચાલક અને તથા અન્ય કોમના કાર ચાલક વચ્ચે સર્જાયેલ બોલાચાલી, મારામારી બાદ મામલો વધુ વણસ્યો હતો. જોતજોતામાં બે કોમના ટોળા પોલીસ સ્ટેશન બહાર મોટીસંખ્યામાં હથિયારો સાથે એકત્ર થઈ નારાબાજી કરવા લાગ્યા હતા.
બનાવની જાણ થતાં જ પોલીસની જુદી જુદી ટીમોથી માંડી એસપી સુધીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટોળાને વિખેર્યા હતા. પણ થોડેક દૂર જઈને ટોળાએ મિલકતોમાં તોડફોડ અને આગચંપી કરતાં પોલીસે કઠલાલના પ્રવેશદ્વારથી માંડીને ગામમાં તમામ સંવેદનશીલ વિસ્તારના પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ પરિસ્થિતિને કાબુમાં લઈ નગરમાં શાંતિપૂર્ણ માહોલ છે.
તા.7મી સપ્ટેમ્બરના રોજ કઠલાલના 60 વર્ષીય નિવૃત્ત સતીષભાઈ નાતાલાલ ગોર બાઈક લઈને સાંજના સુમારે પીઠાઈ ટોલનાકા પરથી પસાર થતા હતા. દરમિયાન એક કારચાલકે તેમની સાઈડ કાપી આગળ ખોખરવાડા બ્રિજ પાસે ઉભી રાખી હતી. કાર ચાલક સાથે અન્ય પાંચ સાત માણસો પણ ઉભા હોઈ, કારચાલકે બાઈક ધીમુધીમુ ચલાવતો હોવાથી મારે ગાડીને બ્રેક મારવી પડી હતી કહી નિવૃત્તને લાફો ઝીંકી દીધો હતો. નિવૃત્તે પોતાના દિકરાને ફોન કરીને બોલાવ્યો હતો. તેણે મારા પિતાને કેમ માર્યા કહેતા બંને પિતા પુત્ર સાથે મારામારી ઝપાઝપી કરી નિવૃત્તના ખિસ્સામાંથી રુપિયા અને બાઈકની ચાવી ઝૂંટવી લઈ ધમકી આપી ઈસમો ફરાર થઈ ગયા હતા. આ બાદ નિવૃત્ત ફરિયાદ આપવા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદ પક્ષે એક કોમનું ટોળુ તથા સામે પક્ષે બીજું ટોળુ એકઠું થયું હતું. જ્યાં બંને ટોળા વચ્ચે વાતાવરણ ઉગ્ર બન્યું હતું. ટોળામાં પથ્થરમારો પણ થયો હતો. પોલીસે બળપૂર્વક ટોળાને વિખેર્યો હતો. બાદ કેટલાક અસામાજિક તત્વોએ નગરમાં વાહનોમાં તોડફોડ, આગચંપી પણ કરી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા ખેડા જિલ્લાની તમામ પોલીસ, ડીવાયએસપી, ખેડા એસપી તમામ સ્થળ પર દોડી આવ્યા હતા. ઉપરાંત આણંદ, ગાંધીનગર અને અમદાવાદના પોલીસ કાફલાને પણ કઠલાલમાં ઉતારી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. નિવૃત્તની ફરિયાદના આધારે ખોખરવાડાના વસીમ ઉર્ફે બકરાવાળો ગુલામનબી ખોખર, ગાડીનો ચાલક, તથા અન્ય પાંચથી સાત ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાદથી નગરમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. તેમ પોલીસે જણાવ્યું હતું. ઘટનાની જાણ થતા કઠલાલના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
વાહનો તેમજ દુકાનોમાં તોડફોડ, આગચંપી અને મિલકતોને નુકસાન પહોંચાડયું
શનિવારે રાત્રીના સુમારે પોલીસ મથક બહાર એકઠા થયેલ બેકાબુ ટોળાને પોલીસને બળપ્રયોગથી વિખેરવો પડયો હતો. બાદ કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ મથક નજીક આવેલ ઈદગાહ પાસે 5થી 7 બાઈકોમાં તોડફોડ, 1 બાઈક સળગાવ્યું, લાકડાના ગલ્લાને વેરણછેરણ કરી, મોબાઈલની દુકાનનું બેનર ફાડી, ફુડસ્ટોલને નુકશાન પહોંચાડી, કેરેટમાંથી ફ્રુટ ખાલી કરી નાંખી મિલકતોને નુકશાન પહોંચાડયું હતું.
કઠલાલ પોલીસ મથકની બહાર ઉગ્ર બની હોબાળો મચાવનાર 300ના ટોળા વિરુદ્ધ ફરિયાદ
શનિવારે બનેલ બનાવ મામલે ફરિયાદ નોંધાઈ રહી હતી. દરમિયાન એક કોમનું અંદાજે બસો લોકોનું ટોળુ તથા બીજી કોમના સોથી દોઢસો લોકોનું ટોળુ પોલીસ મથક બહાર ભેગુ થયું હતું. અને બંને કોમે નારા લગાવવાના શરુ કર્યા હતા. બંને ટોળાએ સામસામે ઉગ્ર સ્વરુપ ધારણ કરી પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો હતો. ટોળામાં કેટલાક ઈસમો લાકડીઓ અને ડંડા જેવા હથિયારો લઈને આવ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસને એકસ્ટ્રા પોલીસ ફોર્સ અને ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા અને બળપ્રયોગ કરી ટોળાને વિખેરવાનું શરુ કર્યું હતું. ટોળામાં પથ્થરમારો અને ટિયરગેસના સેલ છોડાયાનું પણ સ્થાનિકો કહી રહ્યા હતા. જો કે પોલીસે જણાવ્યું હતું કે તેવી પરિસ્થિત સર્જાઈ નહોતી.
બેની અટક કરી છે, હાલ નગરમાં સંપૂર્ણ શાંતિનો માહોલ
ખેડા એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે કઠલાલમાં ગઈકાલે વાહનચાલકો વચ્ચે સર્જાયેલ મારામારી મામલે અને પોલીસ સ્ટેશન બહાર ટોળાઓએ એકઠા થઈ બાદમાં જે મિલકતોને નુકશાન પહોંચાડયાનું કૃત્ય કરેલ છે. તે મામલે ફરિયાદ નોંધાઈ છે. હાલ ગાડીનો ચાલક(રહે.ગોધરા) તથા ખોખર વસીમની અટક કરી છે. કેટલીક વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ ઉપલબ્ધ થયેલ છે. તેની આધારે અન્ય લોકોની પણ અટક કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ નગરમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે.
સવારે 9 બાદ ખૂલેલાં બજારો બપોરે 12 વાગ્યે સંપૂર્ણ બંધ થઈ ગયા
કઠલાલમાં ગઈકાલે રાત્રે સર્જાયેલ તંગદિલી બાદ વિવારે સવારે નવ વાગ્યા બાદ સામાન્ય બજારો ખુલ્યા હતા. જો કે બે કલાક બાદ 11 વાગ્યાથી કઠલાલના તમામ બજારો સ્વયંભૂ સદંતર બંધ જોવા મળ્યા હતા. નગરમાં ગણપતિ સ્થાપના સ્થળોએ તથા તમામ બજારોમાં પોલીસનો કાફલો સ્ટેન્ડ બાય છે.
Source link