ગુજરાતના મોબાઈલ વેપારીઓની મોટી કરચોરી સામે આવી છે. રાજ્યના 74 મોબાઈલ વેપારીઓના ત્યાં SGSTના દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ છે. દરોડા દરમિયાન બોગસ ખરીદીઓ અને વેચાણ દર્શાવી કરોડોની કરચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.
બાલાજી મોબાઈલમાંથી 2.8 કરોડથી વધુની કરચોરી પકડાઈ
SGSTના દરોડા દરમ્યાન આ કરચોરી સામે આવી છે. SGST વિભાગે 74 વેપારીની કરચોરી પકડી છે અને કૂલ રૂપિયા 17.35 કરોડની કરચોરી ઝડપી છે. બાલાજી મોબાઈલમાંથી 2.8 કરોડથી વધુ રૂપિયાની GST ચોરી ઝડપાઈ છે. આ દરમિયાન બાલાજી મોબાઈલ પાસેથી 40 લાખ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. આ સાથે જ કરચોરીની બાકીની રકમ વેપારીએ ન ચૂકવતાં SGST વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
5 ડિસેમ્બરે સુરતમાં SGST વિભાગે 9 સ્થળ પર પાડ્યા હતા દરોડા
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ સુરતમાં બોગસ બિલિંગ કરનારા સામે SGSTએ તવાઈ બોલાઈ હતી, જેમાં 15 કરોડ સુધીની ITC રિકવરી માટે કવાયત હાથ ધરાઈ હતી. બોગસ બિલિંગ કરનારાઓની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી, જેમાં બોગસ એક્સપોર્ટ બતાવી ITC લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ITC લેવાનું રૂપિયા 50 કરોડથી વધુના કૌભાંડનું અનુમાન હોવાની વાત સામે આવી હતી. SGSTના દરોડાથી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ ચર્ચા સામે આવી હતી.
186 કરોડથી વધુની રકમની કરી હતી કરચોરી
ટેક્સ ક્રેડિટનો ખોટી રીતે લાભ મેળવવો એ GST કાયદાની કલમ-132 (1) (c) હેઠળ ગુનો છે, અને આ રીતે, તેની સ્પષ્ટ સંડોવણી શોધી કાઢ્યા પછી, વિભાગે વધુ તપાસ માટે ઈન્ફિનિટી એક્સિમના ભાગીદાર પ્રગ્નેશ કંટારિયાની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસ દર્શાવે છે કે M/s. INFINITY EXIMએ બોગસ કંપનીઓથી રૂપિયા 186 કરોડથી વધુના બનાવટી નાણાકીય વ્યવહારો દર્શાવ્યા હતા અને રૂપિયા 34 કરોડથી વધુની કરચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું.
Source link