રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુનું મિશન હતું ગ્રામોત્થાન. તેઓ વિદ્યાપીઠની સ્થાપના કરીને ફક્ત ડિગ્રી અને અક્ષરજ્ઞાન મેળવનાર વિદ્યાર્થીઓ નહોતા ઇચ્છતા. તેમનો ઉદ્દેશ્ય હતો કે, વિદ્યાપીઠમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે ઉન્નત હોવાની સાથે તેમનું શિક્ષણ દૈનિક જીવનમાં ઉપયોગી થાય અને અંત્યોદય માટે વિદ્યાનો લાભ પહોંચે, આ પૂજ્ય બાપુનો પરમ ઉદ્દેશ્ય હતો.ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા યોજાયેલી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની સમીક્ષાના કાર્યક્રમમાં પદયાત્રામાં સહભાગી થનાર તમામને શુભકામનાઓ પાઠવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશના ગામડાઓના લોકો મોટાભાગે ખેતીથી જોડાયેલા છે અને આ વખતે તમે તમારી સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું જ્ઞાન અને તમારી વિદ્યા લઈને તેમની પાસે ગયા એ તેમને ઘણી ઉપયોગી સાબિત થશે.
પ્રાકૃતિક કૃષિ મિશન
રાજ્યપાલે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેબિનેટમાં પ્રાકૃતિક કૃષિ મિશન માટે રૂપિયા 2481 કરોડની ફાળવણી કરી છે. આઝાદ ભારતમાં પ્રથમવાર આવું કાર્ય થયું છે કે, કોઈ વ્યક્તિએ આવનાર પેઢી માટે, ધરતી માં માટે, પર્યાવરણ માટે, ગાય માટે, ખેડૂતો માટે વિચાર્યું હોય,તો એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. વડાપ્રધાનશ્રીને આ યાત્રા અંગે પણ જણાવ્યું તો તેમણે ઘણી પ્રસન્નતા અનુભવી છે. તેમણે જણાવ્યું કે આ કાર્ય પૂજ્ય બાપુનું છે,આ અભિયાન ગ્રામોસ્થાનનું છે જે પૂજ્ય બાપુનું મિશન છે, આ ચાલવું જોઈએ તેમ જણાવી વડાપ્રધાનએ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પદયાત્રાના છ દિવસ તમારા જીવનના સૌથી યાદગાર
વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પદયાત્રાના અનુભવો અમારામાં પણ ઉત્સાહ પેદા કરે છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેયું કે, સૌથી મહત્વની બાબત તો એ છે કે, તમામ વિદ્યાર્થીઓએ જેવું જોયું તેવું બોલ્યા. તેનાથી અમને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટે ખેડૂતોમાં જે વાસ્તવિકતા છે તેની જાણકારી મળી. આ ખૂબ જ સારી વાત છે.રાજ્યપાલે ગર્વ અનુભવતાં જણાવ્યું કે, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનું જે બૌદ્ધિક સ્તર છે, વાત કરવાની જે પ્રતિભા છે, તેનાથી હું પ્રસન્નતા અનુભવું છું. હું માનું છું કે, પદયાત્રાના છ દિવસ તમારા જીવનના સૌથી યાદગાર બની રહેશે.
ગુરુજનોને પણ અભિનંદન
આપણે ધર્મના નામે, ભાષાના નામે, ઈશ્વરના નામે અસમજણથી લડીએ છીએ. પરસ્પર સંકલન થાય, આદાનપ્રદાન થાય અને એકબીજાને સમજીએ તો તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ યાત્રાથી તમામ વિદ્યાર્થીઓને એકબીજાને સમજવાનો મોકો મળ્યો છે. આ યાત્રામાં જે ગ્રુપ હતા તે એક પરિવાર બની ગયા, એકબીજાના સુખ-દુઃખના સાથી બની ગયા, એકબીજાને ઊંડાણપૂર્વક સમજવાનો મોકો મળ્યો. વિદ્યાર્થીઓ ગામમાં ગયા, ગામની સંસ્કૃતિ જોઈ, જે અનાજથી આપણે પેટ ભરીએ છીએ, શહેરના ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે બટાકા ધરતીમાં થાય છે કે, ઝાડ પર ઉગે છે. વિદ્યાર્થીઓએ ખેતરોમાં જઈને જે અનુભવો પ્રાપ્ત કર્યા છે તે ચાર દિવાલો વચ્ચે પાઠ્યપુસ્તકમાંથી મળે નહીં. તેમણે દરેક ગ્રુપ સાથે પગપાળા ગયેલા ગુરુજનોને પણ અભિનંદન આપ્યા હતા.
બીમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે
પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ અંગે તફાવત દર્શાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અને જૈવિક કૃષિ બંને અલગ છે, તેના વિશે લોકો સમજશે તો ગેરસમજણ દૂર થશે.જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન મળતું નથી, ખર્ચ વધુ થાય છે, નીંદણ વધુ ઉગે છે અને ઉત્પાદન ઓછું આવે છે. પરંતુ, પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે છે અને આ એક સફળ ખેતી છે.પ્રાકૃતિક કૃષિ ફક્ત ખેતી નથી આ પર્યાવરણને બચાવવાનું અભિયાન છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું લે પ્રાકૃતિક કૃષિ પાણીને બચાવવાનું અભિયાન છે, ધરતી માં, લોકોનું સ્વાસ્થ્ય અને ગૌમાતાને બચાવવાનું અભિયાન છે અને આનાથી ખેડૂતોની આવક વધશે. હવે દુનિયા બદલાઈ રહી છે, આવનારું ભવિષ્ય પ્રાકૃતિક કૃષિનું હશે કારણ કે, કેન્સરથી કોઈ મરવા માગતું નથી. દરેક વ્યક્તિ સ્વસ્થ જીવન ઈચ્છે છે. યુરિયા, ડીએપી અને રાસાયણિક દવાથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે.
અધ્યાપકો રહ્યાં હાજર
ગાંધી ગ્રામજીવન પદયાત્રાના સંયોજક અને કમ્પ્યુટર સાયન્સ વિભાગના અધ્યાપક ડૉ. અજય પરીખે પદયાત્રાના રિપોર્ટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સૌએ ગાંધી ગ્રામજીવન પદયાત્રાની કામગીરી દર્શાવતી દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કર્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી ડૉ. નિખિલ ભટ્ટે આભારવિધિ કરી હતી.આ બેઠકમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source link