GUJARAT

Gujarat Monsoon: ગુજરાતના 140થી વધુ તાલુકામાં મેઘમહેર..! જાણો ક્યા શહેરમાં મેઘરાજા મહેરબાન

  • છેલ્લા કેટલાક સમયથી વિરામ બાદ હવે મેઘરાજાની તોફાની બેટિંગ 
  • 52 તાલુકામાં 1 ઈંચથી વધુ, 24 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ
  •  વડગામ ઉપરાંત ખેડા જિલ્લાના નડિયાદમાં 4 ઈંચ વરસાદ

છેલ્લા કેટલાક સમયથી વિરામ બાદ હવે મેઘરાજાએ બે દિવસથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે પણ આખા દિવસ દરમિયાન રાજ્યના 140 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળ્યું

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ 112 મિ.મી. (સાડા 4 ઈંચ જેટલો) વરસાદ તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, બપોરે 2 થી 4ના બે કલાકના સમયગાળા દરમિયાન જ ગાજવીજ સાથે 100 મિ.મી વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે વડગામના નીચાણવાળા ભાગો જળબંબાકાર થઈ ગયા હતા.

 વડગામમાં સાડા 4 ઈંચ વરસાદથી જળબંબાકાર

2 કલાક સતત પડેલા વરસાદના કારણે વડગામ તાલુકા પંચાયતની કચેરીના પરિસરમાં પણ પાણી ફરી વળતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય વડગામને પાલનપુર સાથે જોડતા હાઈવે પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

વડગામ ઉપરાંત ખેડા જિલ્લાના નડિયાદમાં 101 મિ.મી (4 ઈંચ જેટલો), અમરેલીના બગસરામાં 97 મિ.મી., ખેડાના મહુધામાં 92 મિ.મી., ગાંધીનગરના દહેગામમાં 90 મિ.મી., બનાસકાંઠાના અમીરગઢમાં 86 મિ.મી., અરવલ્લીના મેઘરજમાં 84 મિ.મી. વરસાદ વરસ્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન જોઈએ તો, 52 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ, 24 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 8 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ

જ્યારે સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી ભાવનગરના ઉમરાળામાં સૌથી વધુ 29 મિ.મી વરસાદ પડ્યો છે. આ સિવાય ભરૂચના હાંસોટમાં 26 મિ.મી., મહીસાગરના બાલાસિનોરમાં 16 મિ.મી., અરવલ્લીના માલપુર અને ભરૂચના અંકલેશ્વરમાં 14-14 મિ.મી, અમરેલીના સાવરકુંડલામાં 12 મિ.મી અને પાટણ તેમજ મહેસાણાના જોટાણામાં 10-10 મિ.મી વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની શું છે આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હાલ ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આગામી 7 દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદને લઈને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button