GUJARAT

Gujaratમાં આંતરરાજય સિરિયલ કિલરને ગુજરાત પોલીસે પકડી ગુનાઓની હારમાળા પર પુર્ણવિરામ મૂકયો

વલસાડ જિલ્લાના પારડી ખાતે ૧૯ વર્ષિય દિકરી પર દુષ્કર્મ અને હત્યાની બનેલી ઘટના ખુબ જ કરૂણ અને વેદનાસભર છે. આ પ્રકારની ઘટના ક્યારેય કોઇ પણ રાજ્યમાં ન બને તેવી પ્રર્થના કરી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઇને અનેક રાજ્યોમાં ૮ હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર ઝનુની, ક્રુર, નિર્દય અને અમાનુષી સિરિયલ કિલરને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

12.09 લાખના રોકડ ઈનામ આપ્યાં

બેખોફ બનેલા આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડવામાં દિવસ-રાત એક કરી એક મજબુત ટીમ વર્ક સાથે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કરી આ પ્રસંશનિય કામગરી બદલ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ૧૭૨ પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.૧૨.૦૯ લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.

ગણતરીના કલાકોમાં પોલીસે શોધ્યો આરોપીને

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે, તેનો શ્રેય રાજ્યના નાગરીકો, ગુજરાત પોલીસ અને તમામ ફોર્સને જાય છે. ગુજરાતમાં કોઇ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ મજબુત ટીમ વર્કથી ટેક્નોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે રીતે રાત-દિવસ એક કરીને ગણતરીના કલાકોમાં ગુનેગારો શોધી કાઢે છે તેના ઉપર મને ગર્વ છે.

સિરિયલ કિલરે કરી હત્યા

મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં મળી કુલ છ ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરનાર આ સિરિયલ કિલરે વધુ બે હત્યાના ગુનાઓની કબુલાત પોલીસ પુછપરછ દરમિયાન કરી છે. દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર આઠ ગુનાઓ ઉપરાંત આ ગુનેગારે ટ્રક ચોરી, આર્મ્સ એકટ, સરકારી નોકર પર હુમલો જેવા અન્ય ૧૩થી વધુ ગુનાઓ આચર્યા છે. જો ગુજરાત પોલીસે આ સિરિયલ કિલરને ના પકડ્યો હોત તો હજુ ક્યા ક્યા જઇને આ કિલર ગુનાઓ આચરતો તે કહેવુ અને અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો.

પુરાવા એકઠા કરવામાં આવ્યા

હર્ષ સંઘવીએ સંવેદના સાથે કહ્યુ કે, આટલા રાજ્યોમાં દિકરીઓને પીંખી નાંખીને હત્યા કરનાર આ ગુનેગાર જો પહેલા જ ગુનામાં પકડાઇ ગયો હોત કે તેને હ્યુમન ગ્રાઉન્ડ ઉપર જામીન ન મળ્યા હોત તો આજે આપણી ગુજરાતના પારડી વિસ્તારની ૧૯ વર્ષિય દિકરી સુધી તે પહોંચી શક્યો ન હોત. આ ગુનેગારને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે ત્યારે આ દિકરીના પરિવારને અને ગુજરાતના નાગરિકોને ન્યાય મળશે. ખુબ જ ટુંકા સમયમાં આ ગુનેગારની ચાર્જશીટ કરી તેને ફાંસીની સજા થાય તે રીતે સજ્જડ પુરાવાઓ જોડી કડક કાર્યવાહી કરવા વલસાડ પોલીસને સૂચના આપી છે.

ઈનામ આપવામાં આવ્યા કર્મચારીઓને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હોવાનો સંદેશો આપી મંત્રીએ કહ્યુ કે, આ પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ માટે આવેલી ઇનામની રકમની પ્રપોઝલને વાંચ્યા બાદ મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે પોલીસ ટીમની મહેનતને બિરદાવતા આ ઇનામની રકમને બમણી કરી છે. જે અન્ય જિલ્લાઓના પોલીસ અધિકારી-કર્મચારીઓને કોઇપણ કેસ આ જ પ્રકારે ગંભીરતાથી તપાસ કરવા માટે પ્રેરણા પુરી પાડશે.

અધિકારીઓ રહ્યાં હાજર

આ કાર્યક્રમમાં વન-પર્યાવરણ રાજ્ય મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશ પટેલ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, સુરત રેન્જ આઇ.જી.પી શ્રી પ્રેમવીર સિંઘ, સુરત ક્રાઇમ જોઇન્ટ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ, વલસાડ જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા તેમજ ગુનાના ડિટેક્શનમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવનાર પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button