રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 178 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ માણસા અને વિજાપુરમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
પાલનપુર, ઈડરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો
મહેસાણા અને પ્રાંતિજમાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ડીસામાં સવા ત્રણ ઈંચ વરસાદ, સરસ્વતી-જોટાણામાં અઢી ઈંચ વરસાદ અને દાંતીવાડા, પાલનપુર, ઈડરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે પાટણના સિદ્ધપુરમાં બે ઈંચ વરસાદ, વલસાડમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 28 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ તો 136 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
રાજકોટના ગોંડલ અને જેતપુરમાં ધોધમાર વરસાદ
બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે આ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેતપુરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, મતવા શેરી, ધોરાજી રોડ, લાડી રોડ, સામાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને લઈ લાદી રોડ અને સામાકાઠા વિસ્તારમાં રોડ ઉપર ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે. રાજકોટના ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદના આગમન બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ખંભાત શહેરમાં જળબંબાકારની સ્થિતિ
આણંદના ખંભાત શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખંભાત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના સરદાર ટાવર, પાણીયારી, રબારીવાસ પાણી પાણી થઈ ગયા છે અને પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બનાસકાંઠામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. પરંતુ ભાદરવામાં ચોથા રાઉન્ડમાં ડીસા પંથકમાં ગુરુવારે વહેલી સવારથી જ મેઘરાજા મનમૂકીને વરસતા સમગ્ર પંથક સહિત ડીસામાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ ખુદ શહેરની સ્થિતિનો તાગ મેળવી રસ્તા ઉપરના પાણીનું નિકાલ તેમજ મારા વિસ્તારોમાં ભરાયેલા પાણીનું નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી.
Source link