GUJARAT

Gujarat Weather: અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં 24 કલાકમાં વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે.

સુરત, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી

ત્યારે સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર બનશે અને તેના કારણે રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે આવતીકાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે.

ગઈકાલે ભરૂચના આમોદ નગરમાં વરસાદે ધબધબાટી બોલાવી

ગઈકાલે રાત્રે ભરૂચના આમોદ નગર સહિત તાલુકામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને તાપ અને ગરમીના ઉકરાટ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. દિવસ દરમિયાન જ અંધારપટ વાતાવરણ થયું હતું અને વાહન ચાલકો લાઈટ ચાલુ મૂકીને મુસાફરી કરતા જોવા મળ્યા હતા. 3 દિવસના વિરામ બાદ આમોદ પંથક સહિત તાલુકામાં અનેક ગામડાઓમાં મેઘાએ ધબધબાટી બોલાવી હતી.

વાતાવરણમાં ઠંડક પ્રસરી

આમોદ નગર મુખ્ય બજારમાં ઘૂંટણ સમા પાણી જોવા મળ્યા હતા. ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આમોદ નગર અને તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તાપ, ઉકરાટ અને બાફ મારતા વાતાવરણમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ગઈકાલે સુરત અને વડોદરામાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ

તમને જણાવી દઈએ કે ગઈકાલે સુરત જિલ્લામાં પણ વરસાદની ધૂંવાધાર બેટિંગ જોવા મળી હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. કીમ-ઓલપાડ ધોરી માર્ગ પર પાણી ભરાયા હતા, આ સાથે જ સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા હતા. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. ત્યારે વડોદરાના શિનોરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અવાખલ, માલપુર, સેગવા ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. ઉલ્લેખનીય છે કે શિનોર પંથકમાં સિઝનનો 47.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button