રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 18 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ઉત્તર પૂર્વથી બરફીલા પવનો ફૂંકાતાં ઠંડીમાં વધારો થયો. નલિયા 7.8 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. અમદાવાદ 14.0 ડિગ્રી, ગાંધીનગર 11.0 ડિગ્રી સાથે ઠંડુ શહેર. વડોદરા 12.0 ડિગ્રી, રાજકોટ 11.0 ડિગ્રી નોંધાયું, ડીસા 9.9 ડિગ્રી, વેરાવળ 18.5 ડિગ્રી, દ્વારકા 16.4 ડિગ્રી, સુરત 15.2 ડિગ્રી નોંધાયું. કેશોદ 11.5 ડિગ્રી, અમરેલી 9.6 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગર 13.4 ડિગ્રી, ભાવનગર 12.2 ડિગ્રી નોંધાયું.
ગુજરાત રાજ્યના વર્ષ 2024-25માં શિયાળાની ઠંડી ભુક્કા બોલાવી રહી છે અને ગત વર્ષે જે ઓછી ઠંડી નોંધાઈ હતી. તેને સરભર કરવા જાણે કે ઠંડીએ નક્કી જ કરી લીધું હોય તે પ્રકારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે.
રાજકોટમાં બે દિવસ કોલ્ડવેવની અસર
ગુજરાતના નલિયા અને ડીસામાં કોલ્ડવેવની અસર સામાન્ય છે, પરંતુ આ વર્ષે જે પ્રકારે રાજકોટમાં પણ બે દિવસ દરમિયાન કોલ્ડવેવની અસર રહી હતી. તે વાતાવરણમાં બદલાવની નિશાની છે. સામાન્ય રીતે હવામાન વિભાગ દ્વારા એક ચોક્કસ તાપમાન નક્કી કરવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વર્ષ 1999થી વર્ષ 2020 સુધીના દર વર્ષના તાપમાનનું અવલોકન કરીને એક ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ જો ગુજરાત રાજ્યના કોઈપણ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન નક્કી કરવામાં આવેલા ચોક્કસ સામાન્ય તાપમાન કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાય અને આ સ્થિતિ સતત બે દિવસ સુધી રહે તથા લઘુતમ તાપમાન તે વિસ્તારમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાય, આ ઉપરાંત રાજ્યના બે વિસ્તારમાં સમાન સ્થિતિ હોય તો તે વિસ્તારમાં કોલ્ડવેવ જાહેર કરવામાં આવે છે.
કોલ્ડવેવ શું હોય છે?
શિયાળાની ઋતુમાં જ્યારે પશ્ચિમથી ઠંડા પવનની લહેર ભારતના ઉત્તરી ભાગમાં અથવા તો પાડોશી દેશમાં હિમ વર્ષા કરે અને શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે ભારત ઉપર ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાતા હોય છે. તેમાં પણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનો તે હિમવર્ષાના ઠંડા પવન ગુજરાત સુધી લાવે છે. જ્યારે પણ ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ઠંડીનું જોર વધે ત્યારે કોલ્ડવેવ વિશે હવામાન વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવે છે. તેના માટે એક ચોક્કસ તાપમાન અગાઉથી જ નિયત કરવામાં આવેલું હોય છે. તેનાથી નીચે જ્યારે તાપમાન જાય અને અન્ય બે માપદંડ સમાન બને ત્યારે તે વિસ્તારમાં કોલ્ડવેવની અસર રહી હતી તેમ કહી શકાય.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડી વધી
ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ડિસેમ્બર મહિનાની આગાહી મુજબ આ વર્ષે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી વધુ નોંધાવાની શક્યતાઓ છે, પરંતુ અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં જે પ્રકારની ઠંડી પડી રહી છે તે મુજબ ડિસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી ઓછું નોંધાયું છે એટલે કે ઠંડીનું જોર વધુ થયું છે. ગત વર્ષની સરખામણીમાં પણ આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે.
કોલ્ડવેવના દિવસો ઓછા રહેવાની શક્યતાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છના પ્રદેશોમાં ઠંડીનું જોડ સતત વધતું રહ્યું છે અને કોલ્ડવેવની પણ અસર વર્તાઈ છે. ભારતીય હવામાન વિભાગની ડિસેમ્બર મહિનાની આગાહી મુજબ આ વર્ષે કોલ્ડવેવના દિવસો પણ ઓછા રહેવાની શક્યતાઓ છે. જેમાં સામાન્ય રીતે રાજસ્થાન અને કચ્છના રણ પ્રદેશોમાં પાંચથી છ દિવસ કોલ્ડવેવની અસર રહેતી હોય છે, પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થઈને બેથી ત્રણ દિવસ જ કોલ્ડવેવની અસર રહેવાની આગાહી કરવામાં આવી છે.
વર્ષ – લઘુત્તમ તાપમાન
• 2014 – 8 °C
• 2015 – 9.5 °C
• 2016 – 12.3 °C
• 2017 – 11 °C
• 2018 – 8.7 °C
• 2019 – 8.3 °C
• 2020 – 8.3 °C
• 2021 – 9.2 °C
• 2022 – 10 °C
• 2023 – 13 °C
• 2024 – 9.1 °C (અત્યાર સુધીનું)