મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ફ્યૂચરિસ્ટીક ડેવલપમેન્ટ સેક્ટર્સમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રિન્યુએબલ એનર્જી પોલિસી, ગ્રીન હાઈડ્રોજન પોલિસી જેવી પોલિસીઝના અમલથી ગ્રીન ફ્યુચર માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.
CMએ સરદાર વલ્લભભાઈ પટેલને આપી ભાવાંજલિ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ આયોજિત વાર્ષિક સભામાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા. આ ત્રિદિવસીય ફોરમમાં વિશ્વના અંદાજે 40 દેશના 1000થી વધુ હિન્દુ બિઝનેસ એન્ટરપ્રિનીયોર્સ સહભાગી થયા હતા. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યતિથિએ આયોજિત આ ફોરમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબને વિનમ્ર ભાવાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યપ્રધાને દેશની આઝાદી પછી અર્થવ્યવસ્થાને પારદર્શી અને આત્મનિર્ભર બનાવવામાં સરદાર સાહેબે આપેલા વિચારોનો આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, ગ્લોબલ ટેન્ડરીંગનો વિચાર 100 વર્ષ પહેલા 1925માં સરદાર પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આપ્યો હતો. એટલું જ નહિ સહકારિતાના વિઝન સાથે તેમણે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની પ્રેરણા આપીને દૂધ ઉત્પાદકોને શોષણથી બચાવી આત્મનિર્ભર બનાવ્યા.
ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ દેશ ઝડપથી આગળ વધ્યો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સરદાર સાહેબના આવા આત્મનિર્ભરતા અને પારદર્શિતાના વિચારોને વધુ મજબૂત કરવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે. તેમના નેતૃત્વમાં પાછલા દશકમાં દેશની અર્થવ્યવસ્થાનું કદ લગભગ બમણું થઈ ગયુ છે અને ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. હવે તેમની વિઝનરી લીડરશીપમાં ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ દેશ ઝડપથી આગળ વધ્યો છે.
ઈન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ ડ્રાઈવીંગ ઈકોનોમીક ગ્રોથ વિષયક મનનીય વક્તવ્યમાં ગુજરાતે વડાપ્રધાનના દિશા નિર્દેશનમાં કરેલા વૈશ્વિક વિકાસની ગ્રોથ જર્નીની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતને અઢી દાયકા જેટલા સમયથી PM નરેન્દ્ર મોદીના વિકાસ વિઝનનો લાભ મળ્યો છે. આના પરિણામે ઇન્ડ્રસ્ટીયલ પ્રોડકશનમાં 16 ટકા અને GDPમાં 8 ટકાથી વધુ તેમજ નિકાસમાં 30 ટકા જેટલા યોગદાનથી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ તરીકે પ્રસ્થાપિત થયુ છે.
ઈમર્જિંગ સેક્ટર્સમાં પણ ગુજરાત લીડ લેવા સજ્જ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
મુખ્યપ્રધાને ઈમર્જિંગ સેક્ટર્સમાં પણ ગુજરાત લીડ લેવા સજ્જ છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, રાજ્યમાં ત્રણ સેમીકન્ડક્ટર્સ પ્લાન્ટ કાર્યરત થવામાં છે. દેશની પહેલી મેઈક ઈન ઈન્ડીયા સેમીકન્ડક્ટર ચીપનું નિર્માણ પણ ગુજરાતમાં થશે એમ તેમણે દ્ઢતાપૂર્વક ઉમેર્યુ હતું. ધોલેરા SIR વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રકચર અને લોજીસ્ટિક્સ ફેસીલિટીઝને કારણે સેમીકન્ડક્ટર્સ તેમજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ મેન્યુફેક્ચરીંગ સહિતના વિવિધ પ્રકારના ક્ષેત્રો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યપ્રધાને વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને પાર પાડવામાં વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેવા વિકસિત ગુજરાત@2047 વિઝન રોડ મેપ તૈયાર કર્યો છે, તેમ પણ ઉમેર્યુ હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘થિંક ઈન ફ્યુચર-થિંક ફોર ફ્યુચર’ની થીમ સાથે યોજાઈ રહેલી વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ-2024 ઉભરતા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન અને નેટવર્કિંગ પ્લેટફોર્મ પુરુ પાડે છે તેની પ્રશંસા કરી હતી.
Source link