GUJARAT

Gujrat Rain: ખંભાળિયામાં 36 કલાકમાં 26 ઈંચ વરસાદ

  • 50થી વધુ તાલુકામાં 3થી 14.80 ઈંચ, 10 તાલુકામાં 15થી 26 ઈંચ સુધીનો વરસાદ, મૃત્યુઆંક 28
  • વરસાદના લીધે ST બસનાં 837 રૂટ અને સ્ટેટ હાઈવે સહિત 939 રસ્તાઓ બંધ
  • અત્યાર સુધી 28,495 લોકોનું સ્થળાંતરણ, 1,856 લોકોનો રેસ્ક્યૂ દ્વારા બચાવ કરાયો

બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનરાધાર મેઘવર્ષા બાદ છેલ્લા 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદી માહોલ રહેતા અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. દેવભૂમિ દ્વારકાનાં ચારેય તાલુકાનો થઈ સરેરાશ 20 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 26 ઈંચ, ભાણવડમાં 18.12 ઈંચ, કલ્યાણપુરમાં 17.44 અને દ્વારકામાં 17.24 ઈંચ વરસાદ પડયો હતો. એ સિવાય જામનગરમાં 18.24 ઈંચ, જામજોધપુરમાં 18.12 અને પોરબંદરમાં 17.24 ઈંચ વરસાદ થયો છે. બીજી તરફ આજે રાજ્યમાં વીજળી પડવાથી, તણાવા સહિત કુલ મોતનો આંક 28એ પહોંચી ગયો છે. ધોધમાર વરસાદી માહોલના લીધે ગુજરાતનાં વિવિધ સ્ટેટ હાઈવે સહિત 939 રસ્તાઓ બંધ હતા. જેના લીધે એસટી બસના આજે વધુ 837 રૂટ બંધ કરવા પડયા હતા. થાંભલા પડવાથી તેમજ સબસ્ટેશનોમાં પાણી ભરાઈ જવાથી ગુજરાતનાં કુલ 771 ગામ તેમજ વડોદરામાં 1 લાખ જેટલા ઘર અને જામનગરમાં 10થી 15 ટકા વિસ્તારમાં અંધારપટ છવાયો હોવાની વિગતો પ્રાપ્ત થાય છે.

બુધવાર સવારનાં 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં ગુજરાતનાં કુલ 250 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાંથી 78 તાલુકામાં બે ઈંચથી લઈને 17.36 ઈંચ જ્યારે દિવસ દરમિયાનના 12 કલાકમાં 231 તાલુકામાં વરસાદ થયો હતો, જેમાં 21 તાલુકામાં 2 ઈંચથી લઈને 7.40 ઈંચ વરસાદ થયો હતો. આમ વીતેલા 36 કલાકમાં રાજ્યનાં 50થી વધુ તાલુકાઓમાં 3 ઈંચથી લઈને 14.80 ઈંચ જ્યારે 10 તાલુકામાં 15 ઈંચથી લઈને 26 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના લીધે રાજ્યનાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 28,495 લોકોનું સ્થળાંતરણ કરાયું છે જ્યારે 1,856 લોકોનો રેસ્કયૂ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે. બુધવારે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદી માહોલ રહ્યો હતો.

એ સિવાય ઉત્તર ગુજરાતનાં છૂટાંછવાયાં વિસ્તારમાં ભારે વરસાદ પડયો હતો. આમ શનિવાર સવારથી જ રાજ્યમાં સતત ધોધમાર વરસાદ ચાલુ થયો છે, જે આજદિન સુધી અવિરત ભારે વરસાદ ચાલુ છે અને હજુ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં આજે રેડ એલર્ટ, આવતીકાલે ઓરેન્જ એલર્ટ

ગુરુવારના રોજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ સિવાયના અન્ય વિસ્તારમાં ઝરમરથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. બીજા દિવસે શુક્રવારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ અપાયું છે. એ સિવાય ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાના પ્રારંભ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button