- અમેરિકામાં ભારતીયોએ મહેનત, કુશળતા, પ્રતિભાના જોરે ત્યાંના સમાજમાં આગવું સ્થાન મેળવ્યું છે
- પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુ પહેલીવાર અમેરિકા ગયા ત્યારે ત્યાં ભારતીય મૂળના ત્રણ હજાર લોકો હતા
- મોદી પહેલીવાર અમેરિકા ગયા ત્યારે આ આંકડો વધીને 33 લાખને પાર જઈ ચૂક્યો છે
અમેરિકામાં જ્યારે લોકો ત્યાં બહુ સારું કરી રહેલા ભારતીય સમુદાયને જુએ છે ત્યારે તેમને જોઈને ભારત વિશે પોતાના વિચારો ઘડે છે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને આકાર આપવામાં અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાનું ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યું છે.
અત્રે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે શીતયુદ્ધની સમાપ્તિ સાથે જ H-1B વિઝાએ ભારત-અમેરિકા સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પહેલીવાર અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે અમેરિકામાં ભારતીય મૂળના ત્રણ હજાર લોકો હતા. તે પછી ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન તરીકે પહેલીવાર અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં ભારતીય મૂળના 30 હજાર લોકો હતા. રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે પહેલીવાર અમેરિકા ગયા ત્યારે ત્યાં ભારતીય મૂળના ત્રણ લાખ લોકો હતા અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર અમેરિકા ગયા ત્યારે આ આંકડો વધીને 33 લાખને પાર જઈ ચૂક્યો છે. અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ તેમની મહેનત, કુશળતા અને પ્રતિભાના જોરે ત્યાંના સમાજમાં પોતાની જગ્યા બનાવી છે.
જયશંકરે ઉમેર્યું હતું કે અમેરિકામાં જ્યારે લોકો ત્યાં બહુ સારું કરી રહેલા ભારતીય સમુદાયને જુએ છે ત્યારે તેમને જોઈને ભારત વિશે પોતાના વિચારો ઘડે છે. આ જ કારણ છે કે પ્રવાસી ભારતીય સમુદાય આપણા માટે ખૂબ અગત્યનો રહ્યો છે. જ્યારથી ભારત-અમેરિકા સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે ત્યારથી તેમાં ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ અને શીતયુદ્ધની ભૂમિકા રહી છે પરંતુ સાથે જ પ્રવાસી ભારતીય સમુદાયે પણ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં એટલી જ હકારાત્મક ભૂમિકા ભજવી છે. H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે સામાન્ય રીતે અમેરિકામાં કામ કરવા આવતા સ્કિલ્ડ વર્કર્સને અપાય છે. અમેરિકી કંપનીઓ દુનિયાભરના સ્કિલ્ડ વર્કર્સને નોકરી આપવા H-1B વિઝાનો સૌથી વધુ ઉપયોગ કરે છે અને આ વિઝા હેઠળ સૌથી વધુ ભારતીયો જ અમેરિકા જાય છે. જયશંકરે એમ પણ કહ્યું કે ભારત-અમેરિકા વચ્ચે ડિજિટલ કનેક્ટ સ્થાપિત કરવામાં પણ પ્રવાસી ભારતીય સમુદાયની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે.
આવનારો સમય ઘણો પડકારજનક હશે
વિશ્વની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ અને દુનિયાભરમાં વધી રહેલી તંગદિલી અંગે જયશંકરે કહ્યું કે આપણે એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આવનારા પાંચ વર્ષની વાત કરીએ તો આ સમય વધુ મુશ્કેલ હોઈ શકે છે. પશ્ચિમ એશિયા, યૂક્રેન, દક્ષિણ-પૂર્વ એશિયા અને પૂર્વ એશિયામાં જે કંઈ થઈ રહ્યું છે અને કોરોના પછી જે પરિસ્થિતિ છે, વિશ્વ સમક્ષ જે આર્થિક સંકટ છે, પર્યાવરણના મુદ્દા છે એ બધું ધ્યાને લેતાં આવનારો સમય ઘણો પડકારજનક હશે.
ઘણા દેશો સંઘર્ષ કરી રહ્યા છે
વિદેશપ્રધાને કહ્યું કે આપણે દુનિયામાં જે પ્રકારના આર્થિક પડકારો જોઈ રહ્યા છીએ તેનાથી ક્યાંય વધારે દેશો સંઘર્ષ કરી રહ્યા છે. વ્યાપાર મુશ્કેલ થઈ રહ્યો છે, વિદેશી હૂંડિયામણનો અભાવ છે. તેમણે ગાઝા યુદ્ધ અને ઇરાન સમર્થિત હૂતી બળવાખોરો દ્વારા રાતા સમુદ્રમાં વ્યાપાર જહાજોમાં લૂંટના વધતા બનાવો અંગે પણ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આ ઘટનાઓના વૈશ્વિક સ્તરે વિધ્વંસક પરિણામો સામે આવી રહ્યા છે.
અમેરિકી ચૂંટણી અંગે શું કહ્યું?
અમેરિકામાં પ્રમુખપદની આગામી ચૂંટણી અંગે તેમણે જણાવ્યું કે અમે અન્ય દેશોની ચૂંટણીઓ પર ટિપ્પણી નથી કરતા પણ અમેરિકી જનતા ગમે તે નિર્ણય કરે, પાછલા 20 વર્ષના દ્વિપક્ષી સંબંધોના આધારે અમને વિશ્વાસ છે કે અમે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ સાથે ખભે ખભો મિલાવીને કામ કરીશું.
Source link