મોરબી જિલ્લાના હળવદ પંથકમાં રવી પાકની સીઝન ચાલુ થતા યુરિયા ખાતરની તાતી જરૂરિયાતના સમયે ખેડૂતો કલાકો સુધી કતારોમાં ઉભા રહેવા છતાં યુરિયા મળતું નથી.
આવા સમયે હળવદમાં એક ખાનગી ગોડાઉનમાંથી ખાતરનો 1,409 બેગનો જથ્થો પકડાયો છે.હળવદ પીઆઇ આર.ટી. વ્યાસ સહિત સ્ટાફની ટીમે હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી પાસે એક ગોડાઉનમાં દરોડો પાડયો હતો. જેમાંથી 300થી વધુ બેગ યુરિયા ખાતર ઝડપાયું હતું. જ્યારે એક વાહનમાં લોડ કરેલું 700 બેગ યુરિયા પણ મળી આવ્યું હતું. આમ કુલ 1,409 બેગ યુરિયા ખાતરની કબજે કરાઇ છે. આ મામલે પોલીસ દ્વારા ખેતીવાડી અધિકારીને પણ જાણ કરવામાં આવતા તેઓની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. જયારે આ અંગે આધારભૂત સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ ખેડૂતો ને સબસિડી વાળું મળતું યુરિયા ખાતરની પચાસ કિલો બેગનો જથ્થો કોઈ શખ્સો દ્વારા એક ગોડાઉનમાં ભેગો કરી આ ખાતર બેગમાંથી ખાલી કરી અન્ય પ્રિન્ટ કે નામ વગરની કોરી બેગમાં પેક કરી આ ખાતર એગ્રીક્લચરની જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝમાં તેનું અન્ય જગ્યાએ ગેરકાયદે વેચાણ કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા નાયબ ખેતીવાડી અધિકારી કેતનભાઈના જણાવ્યા મુજબ પોલીસના દરોડાની જાણ થતા તેમના ખાતાની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. તેમજ બેગમાંથી ખાતરનો નમૂનો લઈ લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
Source link