હનુમાનજી દુઃખોનો નાશ કરનાર છે. હનુમાન મંત્રમાં બતાવ્યા પ્રમાણે સાધનાત્મક પ્રયોગ ચમત્કારિક છે. આ પ્રયોગથી જીવનમાં આવનાર તકલીફોનું નિવારણ થાય છે. આ પ્રયોગ રાત્રે કરવાનો હોય છે. હનુમાન જયંતી, કાળી ચૌદશ, મંગળવાર અથવા શનિવારે રાત્રે 10 વાગ્યા પછી આ સાધના કરવી જોઈએ.
સાધકે લાલ કલરનાં વસ્ત્રો પહેરવાં. દક્ષિણ બાજુ મુખ રાખવું. તમારી સામે એક બાજોઠ ઉપર લાલ રેશમી કપડું પાથરવું અને ઉપર હનુમાનજીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરવી.
ધ્યાનઃ ઉધનમાર્તન્ડ કોટી પ્રકટ રૂઢિચુસ્ત ચારુ વીરાનસ્યાં.
મૈજજી યજ્ઞોપવીતારૂણ રુચિર શીખા શોભિતં કુંડલાંકમ્ ॥
ભક્તાનામિષ્ટં તં પ્રણત મુનિજનં વેદનાદ પ્રમોદ,
ધ્યાયેદ્ નિત્યં વિધયે પ્લવગ કુલપતિં ગોષ્પદી ભૂતવારિમ્॥
મંત્ર ॥ ૐ નમો હનુમન્તાય આવેશય આવેશય સ્વાહા॥
હનુમાનજીના ચિત્ર સામે મંત્ર સિદ્ધ પ્રાણપ્રતિષ્ઠિત હનુમંત યંત્રની સ્થાપના કરવી. આ યંત્ર ઉપર સિંદુર લગાડવું પછી ગોળ, ઘી વાળી રોટલી બનાવી તેનો લાડુ બનાવવો અને તેનું નૈવેદ્ય અર્પણ કરવું. ત્યાર પછી ધ્યાન અને સંકલ્પ કરી હનુમંત મંત્રની 11 માળા મૂંગાની માળાથી જપ કરવો. આ સાધના 11 દિવસ કરવી અને રાત્રિના 10 વાગ્યા પછી કરવી. સાધના દરમિયાન જમીન ઉપર ઊંઘવું અને સાત્ત્વિક ભોજન લેવું. દરરોજ રાત્રે નૈવેદ્ય ધરાવવું. આ સાધનાથી હનુમાનજીની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને સફળતા મળે છે.
ભય દૂર કરનાર ભૈરવ દેવની સાધના
ભૈરવ શિવનું એક સ્વરૂપ છે, કારણ કે તેમનો જન્મ શિવના હુંકારથી થયો હતો. ભૈરવ બહુ શક્તિશાળી દેવતા છે. 64 પ્રકારના ભૈરવ છે અને 64 ભૈરવી છે. સામાન્ય રીતે કાળી ચૌદશના દિવસે રાતના સમયે ભૈરવ ઉપાસના કરવામાં આવે છે. ભૈરવને વંદન કરીને શુભ કાર્યની શરૂઆત થાય છે.
સાધનાવિધિઃ આ સાધના કાળી ચૌદશ, કાલ ભૈરવાષ્ટમી અથવા કોઈ પણ કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે રાત્રે 10 વાગ્યા પછી સંપૂર્ણ કરવી જોઈએ. સાધના કરવા માટે ભૈરવયંત્ર, કાળા અકીકની માળાની જરૂર પડે છે. સાધના સામગ્રીમાં કાળા તલ, કાળા રંગથી રંગેલા ચોખા, કાળા સરસવ, ગોળથી બનેલું નૈવેદ્ય, કાળાં વસ્ત્ર, ધૂપ અને અગરબત્તી તથા ફૂલ જોઇએ.રાત્રે સ્નાન કરી, કાળાં કપડાં પહેરી પૂજા માટે સજ્જ થઈ જવું. પશ્ચિમ દિશા બાજુ મુખ રાખીને બેસવું. સૌ પ્રથમ ગુરુપૂજન કરવું જોઇએ. તે પહેલાં બાજોઠ ઉપર કાળું કપડું પાથરવું. તેની મધ્યમાં કાળા તલની ઢગલી કરવી. સાથે કાળા ચોખાની ઢગલી કરવી. તેમના ઉપર ભૈરવ યંત્રની સ્થાપના કરી કાળા સરસવથી પૂજન કરવું. પુષ્પ ચઢાવવાં અને નીચેના યંત્રની 11 માળા કરવી. માળા કાળા અકીકની હોવી જોઈએ.
મંત્ર- ૐ ભ્રં ભૈરવાય નમ:
માળા પૂર્ણ થયા પછી ભૈરવની સામે પોતાની જે કામના હોય તે બોલવી. સાધના પૂર્ણ કર્યા પછી કાળા કપડામાં યંત્ર અને સામગ્રી બાંધી ત્રણ દિવસ પછી વહેતા પાણીમાં પધરાવી દેવી. જે માળાથી મંત્ર કરેલ છે તેને લાલ રેશમી વસ્ત્રમાં બાંધીને મંદિરમાં મૂકવી અને દિવાળીના દિવસે સવારે નહાઈને ઘરના મુખ્ય દરવાજા પાસે બાંધી દેવાથી ભૂત, પ્રેત, વ્યાધિ, બીમારી ઘરમાં પ્રવેશી શકતાં નથી. ત્રણ મહિના પછી આ માળાને હનુમાન મંદિર અથવા ભૈરવ મંદિરમાં અર્પણ કરવી અને ભગવાન ભૈરવને પ્રાર્થના કરવી જોઇએ.
રક્ષણ અને પ્રગતિ માટે ઘંટાકર્ણ મહાવીરનો મંત્ર
ઘંટાકર્ણ મહાવીર એ જૈન પરંપરાના એક જૈન દેવ છે. જૈન સાધનામાં તંત્ર માર્ગ મુજબ આ દેવની ઉપાસના કાળી ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગાંધીનગરથી થોડા કિલોમીટરના અંતરે મહુડી ગામે આ દેવનું ભવ્ય મંદિર આવેલું છે. ઘંટાકર્ણ મહાવીર જૈન ધર્મના શ્વેતાબંર સંપ્રદાયના રક્ષક દેવતામાંના એક દેવ છે. વિમલચંદ્ર રચિત ઘંટાકર્ણ મંત્ર સ્તોત્રનો શ્લોક 67 કહે છે કે તેમની પૂજા હરિભદ્રના સમયથી થાય છે. તેમને ક્ષેત્રપાલ તરીકે પણ પૂજવામાં આવે છે. કાળી ચૌદશની રાત્રે ઘંટાકર્ણ મહાવીરના મંત્રની સાધના કરવાથી વાસ્તુદોષ, પ્રેતદોષ, ગ્રહદોષ, નજરદોષ બધામાંથી મુક્તિ મળે છે.
પૂજનવિધિ : આ સાધના દરમિયાન એક લાલ અકીક અથવા મૂંગાની માળા જોઈશે. ઘંટાકર્ણ મહાવીરનો ફોટો, બાજોઠ, લાલ કપડું, અગરબત્તી, ફૂલ, ઘીનો દીવો, નૈવેદ્યમાં સુખડી ધરાવવી. કાળી ચૌદશની રાત્રે 11 વાગ્યા પછી સ્નાન કરીને ચોખ્ખાં વસ્ત્રો ધારણ કરવાં. આસન ઉપર પવિત્ર બાજુ મુખ રાખીને બેસવું. સામે બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેમાં ઘંટાકર્ણ મહાવીરના ફોટાની સ્થાપના કરવી અને સાધનાની સફળતા માટે ગુરુનું ધ્યાન કરવું. ગું ગુરુભ્યો નમ: મંત્ર 21 વખત બોલવો. આપણી જે ઇચ્છા હોય તે દેવ પાસે બોલવી. પછી નીચેના મંત્રની 11 માળા કરવી.
મંત્ર – ૐ હ્રીં શ્રીં ક્લીં કૌ ૐ ઘંટાકર્ણ મહાવીર
લક્ષ્મી પૂરય પૂરય સુખ સૌભાગ્ય કુરુ કુરુ સ્વાહા।
Source link