શહેરના કોટ વિસ્તાર માણેકચોકમાં આડેધડ થઇ રહેલા કોમર્શિયલ બાંધકામને લઇ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની અરજીનો આજે હાઇકોર્ટે નિકાલ કર્યો હતો.
અમ્યુકો તરફ્થી રજૂ કરાયેલા સોગંદનામાને ધ્યાનમાં લઇ ચીફ્ જસ્ટિસની ખંડપીઠે પીઆઇએલનો નિકાલ કર્યો હતો.પીઆઇએલમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, શહેરના માણેકચોક વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું છે અને આ અંગે અમ્યુકો સત્તાવાળાઓનું ધ્યાન દોરવા છતાં કોઇ પગલાં લેવાતા નથી. આ વિસ્તારમાં કેટલાક બાંધકામો તો હેરીટેજ અને સાંસ્કૃત ધરોહર ધરાવતા છે, જેથી આ પ્રકારના કોમર્શીયલ બાંધકામો પર હાઇકોર્ટે તાત્કાલિક રોક લગાવવી જોઇએ.
દરમ્યાન અમ્યુકો તરફ્થી સોગંદનામું રજૂ કરી જણાવાયું હતું કે, યુનેસ્કોએ અમદાવાદ શહેરને હેરિટેજ શહેર તરીકે જાહેર કર્યું છે. અહીં વર્ષો જૂની પોળો અસ્તિત્વ ધરાવે છે અને માણેકચોક એ રહેણાંક અને કોમર્શિયલ એવો મિશ્રા વિસ્તાર છે. જયાં જૂના સોનીઓ પેઢીઓથી કામ કરતા આવ્યા છે. 2020માં અરજીમાં અમેન્ડમેન્ટ બાદ અરજદાર તરફે કોઇ કાર્યવાહી થઇ જ નથી. અગાઉ સોનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવાતું હોવાની ફરિયાદોને લઇ આવી કોમર્શિયલ પ્રવૃત્તિઓમાં સીલ પણ મરાયા હતા. જો કે, બાદમાં તેમના દ્વારા જીપીસીબીના માર્ગદર્શન હેઠળ નવી ટેકનોલોજી અમલી બનાવતાં પ્રદૂષણની ફરિયાદનું પણ નિવારણ થયું હતું. બાકી જૂનો જે પોળ વિસ્તાર જેવો છે તે જ પ્રકારનો છે, તેથી પીઆઇએલનો હાઇકોર્ટે નિકાલ કરવો જોઇએ. પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે રિટનો નિકાલ કર્યો હતો.
Source link