SPORTS

Hardik Pandya Birthday: લગ્ન તૂટ્યા, IPLમાં ટ્રોલિંગ, શાનદાર કમબેક કરીને જીતાડ્યો વિશ્વકપ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો આજે 31મો જન્મ દિવસ છે. 11 ઓક્ટોબર 1993ના રોજ સુરતમાં હાર્દિકનો જન્મ થયો હતો. ક્રિકેટ ઉપરાંત હાર્દિક તેના મોંઘા શોખ અને અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે. ત્યારે ગુજરાતના આ હીરોના જન્મ દિવસને લઇને ચાહકો શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે જન્મ દિવસને લઇને હાર્દિક સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.

હાર્દિક પંડ્યાનો જન્મ દિવસ

મહત્વનું છે કે હાર્દિકે એકલા હાથે ટીમ ઈન્ડિયા માટે ઘણી શાનદાર મેચો જીતી છે. હાલમાં હાર્દિક બાંગ્લાદેશ સાથે રમાઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીમાં રમતા જોવા મળી રહ્યો છે. જેમાં પંડ્યા તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગથી અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યો છે. પહેલી મેચમાં હાર્દિકે લીધેલો નો લૂક શોટ અને બીજી મેચમાં લીધેલો શાનદાર કેચ અત્યારે ચર્ચામાં છે.


IPL 2024માં થયો બરાબરનો ટ્રોલ

IPL 2024માં હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્માના ફેન્સ ખૂબ નારાજ થઈ ગયા હતા. આ આખી સિઝનમાં હાર્દિક પંડ્યા બેટ અને બોલ બંનેથી ફ્લોપ સાબિત થયો હતો, એટલા માટે હાર્દિકની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા હતા. IPLની આખી સિઝન દરમિયાન હાર્દિકને મેદાનથી લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો.


T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પુનરાગમન

IPL 2024ના ખરાબ સમયને ભૂલીને હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર વાપસી કરી હતી. IPL 2024 પછી એવું લાગી રહ્યું હતું કે T20 વર્લ્ડ કપ માટે હાર્દિકની ટીમ ઈન્ડિયામાં પસંદગી નહીં થાય, પરંતુ પસંદગીકારોએ ફરી એકવાર તેમના સૌથી શાનદાર ઓલરાઉન્ડર પર વિશ્વાસ વ્યક્ત કર્યો. હાર્દિક પંડ્યાએ પણ પસંદગીકારોના વિશ્વાસ પર ખરા ઉતર્યા હતા. હાર્દિકે સમગ્ર T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ કપ ફાઇનલમાં બોલિંગ કરીને ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં હાર્દિકે જે રીતે ભૂમિકા ભજવી હતી તે કોઇ ભૂલી શકે તેમ નથી.

પત્ની સાથે થયા છૂટાછેડા

હાર્દિક પંડ્યાએ બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે બે વાર લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન પ્રથમ વખત લગ્ન કર્યા હતા. આ પછી હાર્દિક અને નતાશાએ ફેબ્રુઆરી 2023માં એકબીજા સાથે ફરી લગ્ન કર્યા, પરંતુ તેમના લગ્ન 4 વર્ષથી વધુ ટકી શક્યા નહીં. આ વર્ષે હાર્દિક અને નતાશાએ છૂટાછેડા લીધા હતા. બંનેને એક પુત્ર પણ છે જેનું નામ અગસ્ત્ય પંડ્યા છે. છૂટાછેડા પછી અગસ્ત્ય નતાશા સાથે રહે છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button