ભાજપે બુધવારે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ભાજપે તમામ 90 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. પાર્ટીએ સિરસા વિધાનસભા ક્ષેત્રથી રોહતાશ જાંગરા, મહેન્દ્રગઢથી કંવર સિંહ યાદવ અને ફરીદાબાદ NITથી સતીશ ફગનાને ઉમેદવાર બનાવ્યા છે.
અગાઉ 87 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
ભાજપે મંગળવારે બીજી યાદી જાહેર કરી હતી. પાર્ટીએ કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બીજી યાદીમાં બે મંત્રીઓની ટિકિટ રદ્દ કરવામાં આવી હતી. જેમાં બડખલના વર્તમાન ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી સીમા ત્રિખા અને બવાલથી આરોગ્ય મંત્રી ડો.બનવરી લાલના નામ સામેલ છે. ભાજપે બડખલમાં સીમા ત્રિખાના સ્થાને ધનેશ અદલાખા પર દાવ લગાવ્યો હતો અને બવાલથી બનવારી લાલની જગ્યાએ ડો. કૃષ્ણ કુમારને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા ભાજપે તેની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
ભાજપે છ ધારાસભ્યોની ટિકિટ રદ્દ કરી
ભાજપે તેની બીજી યાદીમાં છ ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે. જેમાં નિર્મલ રાની, મોહન બડોલી, સત્ય પ્રકાશ, સીમા ત્રિખા, પ્રવીણ ડાગર અને જગદીશ નાયરના નામ સામેલ છે. નારનૌલથી ભાજપે ફરી એકવાર ઓમ પ્રકાશ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપે જુલાનાથી કેપ્ટન યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી મહિલા રેસલર વિનેશ ફોગટને ટિકિટ આપી છે.
ગણૌરમાં નિર્મલ રાનીની જગ્યાએ દેવેન્દ્ર કૌશિકને ટિકિટ
ગનૌરથી ભાજપના વર્તમાન ધારાસભ્ય નિર્મલ રાનીના સ્થાને દેવેન્દ્ર કૌશિકને ટિકિટ આપી છે. રાઇ બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીના બદલે કૃષ્ણા ગેહલાવતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય સત્ય પ્રકાશના બદલે બિમલા ચૌધરીને પટૌડીથી ટિકિટ મળી છે. આ ઉપરાંત ભાજપના વર્તમાન ધારાસભ્ય સીમા ત્રિખાની બઢખલથી ટિકિટ કપાઈ છે. જ્યારે હથિન વિધાનસભાથી પ્રવિણ ડાગરના સ્થાને મનોજ રાવતને ટિકિટ અપાઇ છે. હોડલથી જગદીશ નાયરના બદલે હરિંદર સિંહ રામરતનને ટિકિટ મળી છે.
90 બેઠકો પર 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે
હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે, જ્યારે મત ગણતરી 8 ઓક્ટોબરે થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ચૂંટણી પંચે તહેવારો અને રજાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી મોકૂફ રાખી હતી. અગાઉ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર થવાના હતા, પરંતુ હવે તે 8 ઓક્ટોબરે જાહેર થશે.
Source link