કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે અગ્નિપથ આર્મી ભરતી યોજનાને લઈને કોંગ્રેસના નેતાઓ ભૂપેન્દ્ર હુડ્ડા અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે. તેઓ હરિયાણાના લોહારુમાં ભાજપના ઉમેદવાર જે.પી. દલાલની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે.
રાહુલ ‘બાબા’ કોઈપણ ભાષામાં જૂઠું બોલી શકે છે
અમિત શાહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાહુલ ગાંધી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાનો એજન્ડા તમામ આતંકવાદીઓને મુક્ત કરવાનો અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પછી પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો છે. હરિયાણામાં તેમની પ્રથમ ચૂંટણી રેલીમાં શાહે કહ્યું કે, રાહુલ ‘બાબા’ કોઈપણ ભાષામાં જૂઠું બોલી શકે છે. તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના સમર્થનમાં છે કે વિરોધમાં.
અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જોગવાઈ
નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાના મેનિફેસ્ટોમાં કલમ 370 હટાવવાની વાત કરી છે. કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી લડી રહી છે. અમિત શાહે ‘વન રેન્ક વન પેન્શન’ યોજના લાગુ ન કરવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, તેને લાગુ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. તેમણે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અર્ધલશ્કરી દળો અને ઘણા રાજ્યોમાં તેમના પોલીસ દળોમાં અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જોગવાઈ કરી છે.
હું જે કહું છું તે કરું છું: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હું હરિયાણાના યુવાનોને કહેવા માંગુ છું કે હુડ્ડા એન્ડ કંપની જેનું કામ જૂઠ ફેલાવવાનું છે, તે કહી રહ્યા છે કે સેનામાં ચાર વર્ષ સેવા આપ્યા પછી અગ્નિવીરોનું શું થશે. પણ હું જે કહું છું તે કરું છું. જો કોઈ અગ્નિવીર પરત ફરે છે, તો તે બેરોજગાર રહેશે નહીં અને ભાજપ તેની જવાબદારી લેશે. અમે તેમના માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં અને મોટાભાગના રાજ્યોના પોલીસ દળોમાં તેમના માટે અનામતની વ્યવસ્થા કરી છે. આ રેલીમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પાર્ટીના હરિયાણા પ્રભારી બિપ્લબ કુમાર દેબ, સાંસદ કિરણ ચૌધરી અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.
Source link