બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી મોટી જીત નોંધાવી છે. બાંગ્લાદેશ સામે 515 રનનો વિશાળ લક્ષ્યાંક હતો, પરંતુ તેનો પીછો કરતી વખતે ટીમ 234ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ગૌતમ ગંભીર ભારતના હેડ કોચ બન્યા બાદ ટેસ્ટ મેચમાં ભારતની આ પ્રથમ જીત છે. આ યાદગાર જીત પર કોચ ગંભીરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
ગૌતમ ગંભીરે આપી પ્રતિક્રિયા
ગૌતમ ગંભીરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી અપડેટ કરી છે, જેમાં તેણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસવીર શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “એક શાનદાર શરૂઆત. ટીમ ખૂબ સારી રીતે રમી.” બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આગળના પડકારો માટે મજબૂત ટીમ બનાવવા પર ભાર મૂક્યો હતો. તેણે ખાસ કરીને સારા બોલિંગ વિકલ્પો વિશે વાત કરી. ભારતે ચોથા દિવસે જ બાંગ્લાદેશની ટીમને ઓલઆઉટ કરીને આસાનીથી જીત નોંધાવી હતી.
ગૌતમ ગંભીરે શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના હેડ કોચની જવાબદારી સંભાળી હતી. તે પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝ જીતી હતી, પરંતુ ODI સિરીઝમાં 2-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ સામેની સીરીઝ બાદ ગંભીરને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝના કપરા પડકારનો પણ સામનો કરવો પડશે. આ તમામ સિરીઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી ઘણી મહત્વની રહેશે.
જીત બાદ રોહિત શર્માએ શું કહ્યું?
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ સુકાની રોહિત શર્માએ કહ્યું, “અમારે એવી ટીમ તૈયાર કરવી પડશે જેની પાસે બોલિંગનો શ્રેષ્ઠ વિકલ્પ હોય. અમારે તમામ પ્રકારના હવામાન અને પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું પડશે. પછી ભલે આપણે ભારતમાં રમીએ કે વિદેશી ધરતી પર, અમારી ટીમે તે મુજબ તૈયાર રહેવું પડશે.”