GUJARAT

Halvad રણકાંઠાના ગામોમાં કપાસના પાકને ભારે નુકસાન

  • ઝાલાવાડ અને મોરબી જિલ્લામાં સતત ચાર દિવસના મેઘતાંડવથી ખેડૂતોને આર્થિક ફટકો
  • સમગ્ર પંથકમાં તાત્કાલિક સરવે કરાવી ખેડૂતોને સહાય આપવાની માંગ
  • ધારાસભ્યની CMને પત્ર લખીને રજૂઆત

સમગ્ર હળવદ પંથકમાં સાતમ આઠમ ટાણે ચાર દિવસ સુધી ભારે વરસાદ પડી જતા રણકાંઠાના આઠ ગામોમાં કપાસના પાકનો સોથ વળી ગયો હોય ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે તાત્કાલિક નુક્સાનીનો સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 હળવદ શહેર અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પડી ગયેલા ભારે વરસાદ દરમિયાન અને ઉપરવાસમાં મેઘરાજા અનરાધાર વરસતા બ્રાહ્મણી ડેમ 1 -2 ઓવરફ્લો થયો હતો. જયારે વધુ વરસાદને પગલે કપાસ ના પાકમા વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પાક ઉભો સુકાવા લાગ્યો છે ઉપરાંત પાકમાં આવેલા જીંડવા પણ ખરી જતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હજુ અમુક ગામોના ખેતરોમાં વરસાદી પાણી ઓસર્યા પણ નથી. ત્યારે આ પાણી ઓસર્યા બાદ વધુ સાચી નુકસાનીનો ખ્યાલ આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ ઉપરાંત ધ્રાંગધ્રા અને હળવદના ખેડૂતોને કપાસ સહિતના પાક નુકસાનીનું વળતર ચૂકવવા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત માગ કરી છે. ધારાસભ્યે તેમને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ધ્રાંગધ્રા અને હળવદના ખેડૂતોએ બાગાયતી ખેતી દ્વારા દાડમ, લીંબુ, જામફ્ળ, ખારેક, ડ્રેગનફ્રુટ વગેરેનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. તાજેતરમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ નુકસાનના વળતર માટે સહાયની માગણી કરી છે.

આ ઉપરાંત હળવદ તાલુકામાં આવેલા વિવિધ બ્રિજ/પુલ જેવા કે દીઘડીયા પુલ, મયુરનગર પુલ, કોયબા પુલ અને ઘણા-રણમલપુર બ્રિજ તૂટી જવાથી આ ગામના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને અનેક રોડ રસ્તા તૂટી જવા પામ્યા છે. ત્યારે આ બાબતે હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારમાં વહેલી તકે સર્વે કરાવીને ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે અને તૂટી ગયેલા રોડ અને તમામ પુલનું સત્વરે સમારકામ કરાવવામાં આવે તેવી પણ માગ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button