- 4 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો
- ખેડા જિલ્લામાં વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં
- વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર સજ્જ
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહીના અનુસંધાને જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે અને 4 દિવસના વિરામ બાદ વરસાદનો તોફાની બીજો રાઉન્ડ શરૂ થયો છે.
વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર સજ્જ
નડિયાદમાં કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખેડા જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો છે. ત્યારે બીજી તરફ વરસાદની આગાહીને લઈ ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ વિનાશના દ્રશ્યો સર્જાયા છે અને ખેડા જિલ્લામાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. કૂલ 2.40 લાખ હેક્ટરમાં ઉભા પાક પર પાણી ફરી વળ્યા છે અને ખેડા જિલ્લામાં સૌથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું છે.
ભરૂચમાં ભારે વરસાદની અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ
ત્યારે બીજી તરફ ભરૂચમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે ફુરજા વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે અને વરસાદી પાણીમં ફુરઝા બાદશાહ મસ્જિદ પાસે બે બાઈક પાણીમાં તણાયા છે. માત્ર બે કલાકના વરસાદમાં ભરૂચના અનેક વિસ્તાર પાણીમાં ડૂબ્યા છે.
અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદ
અમદાવાદ શહેરમાં પણ સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને શહેરના અનેક પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. નજીવા વરસાદમાં અમદાવાદમાં પાણી પાણી થઈ ગયુ છે, વોરાના રોજા પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. ત્યારે વરસાદી પાણી ભરાતાં વાહનચાલકોને પણ હાલાકી પડી રહી છે અને વોરાના રોજાથી કાલુપુર જવાના માર્ગે પાણી ભરાઈ ગયા છે.
સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 111 તાલુકામાં વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે અને તાપીના સોનગઢ-વ્યારામાં આઠ ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ વરસાદ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ, ભરુચમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ 35 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ તો 58 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.
Source link