વડોદરામાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને આખરે સાંજે આ વાદળો વરસ્યા છે અને મધ્યમ ગતિએ પવન સાથે વરસાદનું આગમન થયું છે.
માત્ર અડધો કલાકમાં જ વરસાદના કારણે પાણી ભરાવાની થઈ શરૂઆત
તમને જણાવી દઈએ કે શહેરના ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી સહિત તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. માત્ર અડધો કલાકના વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શહેરના નવા બજાર સહિતના વિસ્તારો વરસાદના કારણે પ્રભાવિત થયા છે. પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.
વડોદરાના મુજમહુડા વિસ્તારમાં ભૂવો પડ્યો
આજે બપોરે જ વડોદરાના મુજમહુડા વિસ્તારમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. 50 ફૂટ લાંબો અને 20 ફૂટ પહોળો ભૂવો શહેરમાં પડ્યો છે અને તેના કારણે રોડ બેસી જતા વિશાળ વૃક્ષ પણ ધરાશાયી થયું છે. સદનસીબે વાહનો પાર્ક ન હોવાથી કોઈ નુકસાન થયું નથી પણ રોડ બેસી જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે MGVCL અને પાલિકાની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને વૃક્ષને ખસેડવામાં આવ્યું હતું.
શહેરમાં અનેક જગ્યાએ મગરો જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે પૂરના કારણે શહેરમાં અનેક જગ્યાએ મગરો જોવા મળ્યા હતા. વડોદરાના સૈન્ય સંકુલમાં 9 ફૂટનો મગર દેખાયો હતો અને EME કેમ્પસમાં આ 9 ફૂટનો મગર પહોંચ્યો હતો. ત્યારે વનવિભાગના કર્મચારીઓને જાણ કરવામાં આવતા આ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા 1 સપ્તાહમાં 50થી વધુ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
શહેરમાં વરસાદને કારણે અને પૂર બાદ રોગચાળો વકર્યો
બીજી તરફ શહેરમાં વરસાદને કારણે અને પૂર બાદ રોગચાળો વકર્યો છે અને શહેરમાં ચામડીના રોગોએ ભરડો લીધો છે. 25 હજારથી વધુ લોકો ચામડીના રોગથી ગ્રસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડો. દ્વિજેશ પટેલે જણાવ્યું કે દર્દીઓના શરીર પર ફંગસ થયાનું સામે આવ્યું છે. જ્યાં કમરસમા પાણી હતા ત્યાંના લોકોમાં રોગ જોવા મળી રહ્યો છે. એકમાંથી અન્ય વ્યક્તિને ફંગસનો ચેપ લાગી રહ્યો છે. ત્યારે ડોક્ટરે જાણકારી આપતા કહ્યું કે દર્દીઓએ સ્નાન કરી ફંગસનો એરિયા સાફ કરવો અને ડાયાબીટીસના દર્દીઓને ફંગસ થયું હોય તો તે જોખમ છે અને આવા દર્દીઓએ તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.
Source link