- હિમાચલપ્રદેશ, યુપી, પંજાબ સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ
- વરસાદ સંબંધી દુર્ઘટના વીતેલા 24 કલાકમાં 20 લોકોનો ભોગ લઈ ચૂકી છે
- સવાઈ માધોપુર બંધનો પાળો તૂટતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા
રાજસ્થાનમાં ત્રણ દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. વરસાદ સંબંધી દુર્ઘટના વીતેલા 24 કલાકમાં 20 લોકોનો ભોગ લઈ ચૂકી છે. રાજ્યમાં પાંચ લોકો લાપતા છે.
સોમવારે સવારે પણ ભારે વરસાદ થતાં જયપુર,ધોલપુર, કરોલી, દૌસા અને સવાઈ માધોપુર સહિતના સાત જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં શાળા કોલેજો બંધ રાખવા આદેશ જારી થયા છે.સવાઈ માધોપુર બંધનો પાળો તૂટતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રણથંભોરમાં ફસાઈ ગયેલા 100 લોકોને બચાવી લેવા સોમવારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં મંગળવારે પણ વરસાદ થઈ શકે છે. જયપુરમાં 24 કલાકમાં 118 મિ.મી. વરસાદ નોંધાયો છે. 1લી જૂનથી 12 ઓગસ્ટ સુધીમાં રાજસ્થાનમાં સામાન્ય કરતાં 40 ટકા વધુ એવો 397.8 મિ.મિ. વરસાદ નોંધાયો છે. પિૃમ રાજસ્થાનમાં તો સામાન્ય કરતાં 56 ટકા વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ રાજસ્થાનમાં 31 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
માત્ર રાજસ્થાન જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિતના વિસ્તારમાં વરસાદ સંબંધી ઘટનાઓમાં રવિવાર સુધીમાં 31 લોકોનાં મૃત્યુ નોંધાયા હતા. ચાર રાજ્યમાં 8 લોકો લાપતા છે. હરિયાણામાં પણ વરસાદ થવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે, સોમ નદી પરનો પાળો તૂટી જતાં આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા.
ચંડીગઢમાં 3 કલાકમાં 110 મિ.મિ. વરસાદ
ચંડીગઢમાં રવિવારે ત્રણ જ કલાકમાં 110 મિ.મી. વરસાદ પડતાં જન જીવન અસ્તવ્યસ્ત થયું હતું રવિવારે કુલ 129.7 મિ.મિ. પાણી વરસ્યું હતું. રસ્તાઓ, બજારો અને રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં પાણી દુકાન અને ઘરોમાં ઘૂસી ગયા હતા. રસ્તા જળબંબાકાર હોવાથી વાહનોની અવરજવર બંધ થઈ હતી. વાહનો રસ્તા પર ડૂબવા લાગ્યા હતા. ગટરોની ક્ષમતા કરતાં વધુ પાણી વરસતાં ડ્રેનેજ લાઇન બેક મારવા લાગી હતી.
હાઇકોર્ટનારેકોર્ડ રૂમમાં પાણી ફરી વળ્યાં
ચંડીગઢમાં રવિવારે ભારે વરસાદ થતાં સેક્ટર 17મા આવેલી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના રેકોર્ડ રૂમમાં પાણી ઘૂસી ગયા હતા. સ્ટાફને તાકીદે રેકોર્ડ ખાલી કરીને રેકોર્ડ સુરક્ષિત કરવાની ફરજ પડી હતી. કર્મચારીઓએ રેકોર્ડ ખસેડવા ભારે જહેમત કરી હોવા છતાં કેટલીક ફાઇલ્સ ભીની થઈ ગઇ હતી. ચીફ જસ્ટિસે જાતે રેકર્ડરૂમની મુલાકાત લઈને શિફ્ટિંગ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. કર્મચારીઓએ માનવ સાંકળ રચીને રેકોર્ડને સુરક્ષિત સ્થાને ખસેડયો હતો.
Source link