GUJARAT

Surendranagar: ઝાલાવાડના માર્કેટ યાર્ડોમાં સફેદ વૈભવના ડુંગર ખડકાયા

ઝાલાવાડમાં નુતન વર્ષના તહેવારોની રજાઓ બાદ ખેત ઉત્પાદન બજાર સમીતી ફરીથી ધમધમતી થઈ છે. જેમાં ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, લખતર, પાટડી એપીએમસીમાં બુધવારે એપીએમસીના ચેરમેન સહીતનાઓની હાજરીમાં ખેડૂતોના કપાસની હરરાજી શરૂ કરાઈ છે. વેપારીઓ પણ સારા કપાસ જોઈને કપાસના સારા ભાવ બોલતા નજરે પડયા હતા. જિલ્લામાં સૌથી વધુ કપાસનો સારો ભાવ લખતર એપીએમસીમાં 1531 સુધી બોલાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી અને નુતન વર્ષની રજાઓ બાદ બુધવારે લાભ પાંચમથી ધંધા-રોજગાર ફરીથી શરૂ થયા છે. ત્યારે જિલ્લાના વીવીધ એમપીએમસીમાં પણ ખેડુતો પોતાની ખેત પેદાશ વેચવા લાવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, વઢવાણ, લખતર, પાટડી, ચોટીલા એપીએમસીમાં વર્ષ 2081માં કપાસ સહિતની ખેત પેદાશોની હરરાજીનો બુધવારથી પ્રારંભ કરાયો હતો. ખેડૂતોને પોતાના ઉત્પાદનના પુરતા ભાવ મળી રહે તે દીશામાં કામ કરતા ચેરમેન સહીતની બોડી દ્વારા કપાસની હરરાજીનો શુભારંભ કરાતા જ વેપારીઓ કપાસને જોઈને તેના ભાવ બોલવા લાગ્યા હતા.

એપીએમસીમાં દિવસભર કપાસની સારી એવી આવક થઈ હતી અને કપાસનો ઓછામાં ઓછો ભાવ રૂપીયા 1225 પ્રતીમણ અને વધુમાં વધુ ભાવ રૂપીયા 1531 પ્રતી મણ બોલાયો હતો. કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ હતી. આ અંગે એપીએમસીના હોદ્દેદારોએ જણાવ્યુ કે, ખરો તોલ અને ખરા ભાવના સુત્ર સાથે અમારી બોડી ખેડૂતોને પોતાના ઉત્પાદનના સારામાં સારા ભાવ મળે તેવા પ્રયાસો કરી રહી છે. આગામી દિવસોમાં વધુમાં વધુ ખેડૂતો પોતાના ઉત્પાદીત કપાસ સહિતના પાકને વેચવા એપીએમસીમાં આવશે તેવી આશા છે.

કપાસ ઉપરાંત ગમગુવાર અને તલના ભાવ સારા બોલાયા

પાટડી અને ધ્રાંગધ્રા એપીએમસીમાં બુધવારથી ખેત ઉત્પાદનોના વેચાણ અને હરરાજીનો પ્રારંભ થયો છે. જેમાં કપાસ ઉપરાંત ગમગુવાર અને તલની પણ સારી એવી આવક થઈ હતી. પાટડી એપીએમસીમાં ગમગુવારનો ભાવ પ્રતી મણ 840થી 935 અને તલનો ભાવ પ્રતી મણ રૂપીયા 2000થી 2301 બોલાયો હતો.

કડી એપીએમસી કરતા કપાસનો વધુ ભાવ લખતરમાં બોલાયો

મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલ એપીએમસી રાજયના અગ્રણી એપીએમસીમાંથી એક છે. ત્યારે લાભ પાંચમના મુર્હુતના દિવસે કડી એપીએમસીમાં કપાસનો ભાવ 1515 બોલાયો હતો. જયારે લખતરમાં તેનાથી વધુ પ્રતી મણ કપાસનો ભાવ 1531 મળતા ખેડુતોમાં આનંદ છવાયો હતો. લખતર એપીએમસીના ચેરમેન કર્મદીપસીંહ ઝાલા, સેક્રેટરી ડી.ડી.મોરી સહિતનાઓ મુર્હુત સમયે ઉપસ્થીત રહ્યા હતા.

લીંબડી APMCમાં પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ લીંબડી એપીએમસી ખાતે ચેરમેન અજીતસીંહ ટાંક દ્વારા લાભ પાંચમે કપાસની હરાજીનો આરંભ કરાવાયો હતો. જેમાં ખેડુત આગેવાન બળદેવસીંહ ઝાલા, લક્ષ્મણભાઈ પરાલીયા, સેક્રેટરી દીલીપસીંહ ઝાલા, ઈન્સપેકટર એચ.એચ.પરમાર સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. પંથકના ભલગામડા, ચોરણીયા, બોડીયા, બલદાણા, ચોકી, મોટા ટીંબલા સહિતના ગામોના ખેડુતો પોતાનો કપાસ લઈને પહોંચ્યા હતા. અને કપાસનો પ્રતીમણ 1500 સુધી ભાવ પહોંચતા અને પોષણક્ષમ ભાવ મળતા ખેડુતોમાં ખુશી છવાઈ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button