પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી મેદાની વિસ્તારો તબાહી મચાવી રહ્યા છે. પહાડોમાં તાપમાન ઠંડું બિંદુથી ઘણું નીચે ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ફરી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે વાત કરીએ જો હિમાચલની તો અહીં સ્નોફોલ થઇ રહ્યો છે. ચોમેર બરફની ચાદર છવાઇ છે. હિમવર્ષાને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 134 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
વીજળી ગુલ- રસ્તા બંધ
આ સિવાય હિમવર્ષાના કારણે લઘુત્તમ તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે કડકડતી ઠંડીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલી માહિતી મુજબ શિમલા જિલ્લામાં સૌથી વધુ રસ્તાઓ બંધ છે. શિમલામાં 77 રસ્તાઓ બંધ છે. જ્યારે વરસાદ અને હિમવર્ષાના કારણે 65 ટ્રાન્સફોર્મર ખોરવાઈ ગયા હતા. આવી સ્થિતિમાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.
પ્રવાસીઓ ફસાયા
મહત્વનું છે કે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે હજારો પ્રવાસીઓ શિમલા અને મનાલી પહોંચ્યા. એક તરફ પ્રવાસીઓને હિમવર્ષાનો લ્હાવો જોવા મળી રહ્યો છે પરંતુ
તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. લાહૌલના સિસુ અને કોક્સરથી અટલ ટનલ રોહતાંગ સુધી 8,500 પ્રવાસીઓ અને કુફરીમાં 1,500 પ્રવાસીઓ બરફમાં ફસાયા હતા, જેમને ઘણા કલાકોની મહેનત બાદ બચાવી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત લગભગ 10 હજાર પ્રવાસીઓને બચાવવા માટે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું હતું. હિમવર્ષા અને વરસાદને કારણે ફસાયેલા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે શિમલાના ધલ્લીથી કુફરી સુધી અને મનાલીના સોલંગનાલાથી લાહૌલ સુધી પ્રવાસી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.
હિમાચલમાં કેવુ રહેશે વાતાવરણ ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ભુંતરમાં 9.7 મીમી, રામપુરમાં 9.4 મીમી, શિમલામાં 8.4 મીમી, બજૌરામાં 8 મીમી, સીઓબાગમાં 7.2 મીમી, મનાલીમાં 7 મીમી, ગોહરમાં 6 મીમી, મંડીમાં 5.4 મીમી અને 5.4 મીમી વરસાદ નોંધાયો છે. જુબ્બરહટ્ટીમાં 3.8 મીમી વરસાદ થયો હતો. વિભાગે શુક્રવાર સાંજથી રવિવાર બપોર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને શિમલામાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં તાબો રાજ્યનું સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં રાત્રિનું તાપમાન માઈનસ 10.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા અને કોલ્ડવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
Source link