હિંમતનગરના પરબડા ગામમાં રહેતી એક 60 વર્ષીય વૃધ્ધાને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે દફનવિધી કરતા પહેલા મૃતક વૃધ્ધાની લાશને નવડાવાની વિધિ દરમિયાન કપાળના ભાગે ઇજાઓ થઇ હોવાનું મૃતકની દીકરીને માલુમ પડયુ હતુ. પરંતુ પરિવારજનોએ મૃતકની લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધી હતી. જોકે મૃતકની દીકરીએ સમગ્ર હકીકત અંગે પરિવારજનોને જાણ કર્યા બાદ બી ડિવીઝન પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે કબ્રસ્તાનમાંથી મૃતકની લાશને બહાર કાઢી પોસ્ટમાર્ટમ કરાવ્યુ હતુ. ત્યારબાદ હત્યાના બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નવડાવાની ક્રિયા દરમિયાન સમગ્ર હકીકત બહાર આવી હતી
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિંમતનગરના મોટી વ્હોરવાડની લીમડાવાળી ફળીમાં સમાબાનુ નન્નુમીયા અબ્દુલરઝાક શેખ પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા.19-09-2024ના સવારે 7 કલાકે માસીની દીકરી શોફિયાબાનુનો ફોન આવ્યો હતો કે મોટી મમ્મી જમીલાબાનુ મરણ થયુ છે. જોકે મૃતક જમીલાબાનુની દફનવિધી કરતા પહેલા નવડાવાની વિધિ કરવાની હતી. ત્યારે સમાબાનુ નન્નુમીયા શેખે મૃતક જમીલાબાનુના કપાળના ભાગે ઇજા થઇ હોવાનું માલુમ પડયુ હતુ તથા બન્ને હાથે લીલા કલરના જામા પડી ગયા હતા. જે અંગે તેણે તેની મોટી બહેન રઇશાબાનુને પુછ્યુ હતુ તો તેણે જણાવ્યુ હતુ કે જમીલાબાનુ પડી ગયા હતા તેથી વાગ્યુ હશે. પરંતુ આ ઇજાઓ પડી ગયા હોવાથી થઇ હોય તેવુ લાગતુ નથી તેવુ કહેતા રઇશાબાનુને ગુસ્સો આવી ગયો હતો અને ગોળગોળ જવાબ આપવા લાગી હતી.
કબ્રસ્તાનમાં લાશને દફનાવ્યા બાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
જે અંગેની વાત સમાબાનુ નન્નુમીયા શેખે તેના બનેવી રોશનઅલી અબ્દુલરહેમાનને કરી હતી. જોકે વૃધ્ધ જમીલાબાનુ મોત શંકાસ્પદ થયુ હોવાનું લાગતા 20-09-2024ના રોજ હિંમતનગર બી ડિવીઝન પોલીસ મથકમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે મૃતક જમીલાબાનુની લાશને કબ્રસ્તાનમાં દફનાવી હતી તેને બહાર કાઢી અમદાવાદ ખાતે ફોરનસીક લેબમાં મોકલી પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ હતુ. જોકે ત્યારબાદ હિંમતનગર બી ડિવીઝન પોલીસે સમાબાનુ નન્નુમીયા અબ્દુલરઝાક શેખ (ઉ.વ.36, રહે. લીમડાવાડી ફળી, મોટી વ્હોરાવાડ, હાજીપુરા)ની અરજીના આધારે તપાસ બાદ રઇશાબાનુ રોશનઅલી અબ્દુલરહેમાન શેખ વિરૂધ્ધ મૃતક જમીલાબાનુ નન્નુમીયા શેખ (ઉ.વ.60, રહે. પરબડા, નફીસા મસ્જીદ સામે, હિંમતનગર)ની હત્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ બી ડિવીઝન પીઆઇ આર.ટી. ઉદાવત દ્વારા કરવામાં આવી રહી છે.
Source link