- આક્ષેપોને અમે ફગાવીએ છીએ જે અમને બદનામ કરવા માટે વારંવાર ખોટી રીતે કરવામાં આવે છે
- જાન્યુઆરી 2024માં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ આક્ષેપોને ખોટા ઠરાવવામાં આવ્યા છે
- બુચ દંપતિએ કહ્યું હતું કે ફંડમાં તેમનું રોકાણ માધબી સેબીમાં સામેલ થયા તેના બે વર્ષ પહેલા કરાયું હતું
અદાણી ગ્રૂપ દ્વારા અમેરિકાની રિસર્ચ અને રોકાણકાર કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા આરોપોને ફગાવવામાં આવ્યા છે. અદાણી ગ્રૂપે આ આરોપોને દુર્ભાવનાપૂર્ણ અને પસંદગીની સાર્વજનિક માહિતીઓ સાથે છેડછાડ કરનારા ગણાવ્યા છે.
અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરી હતી કે તેને માર્કેટ નિયામક સેબીનાં ચેરપર્સન કે તેમના પતિ સાથે કોઈ કોમર્શિયલ સંબંધો નથી. અદાણી ગ્રૂપે શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું છે કે હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા નવા આરોપો તેમજ જાહેર કરવામાં આવેલી માહિતી દુર્ભાવનાપૂર્ણ, શરારતી અને પસંદગીની હકીકતો અને માહિતી સાથે છેડછાડ કરનારી છે. જેને હકીકતો તેમજ કાયદાની અવગણના કરીને અંગત રીતે નફો મેળવવા માટે અગાઉથી નક્કી કરવામાં આવેલા તારણો સુધી પહોંચવાનાં ઈરાદાથી જાહેર કરવામાં આવેલ છે. અદાણી ગ્રૂપે સ્પષ્ટતા કરી હતી કે અમારી સામે કરવામાં આવેલા આક્ષેપોને અમે ફગાવીએ છીએ જે અમને બદનામ કરવા માટે વારંવાર ખોટી રીતે કરવામાં આવે છે. આ આરોપોની ઊંડી તપાસ કરવામાં આવી છે અને તે ખોટા પુરવાર તેમજ નિરાધાર પુરવાર થયા છે. જાન્યુઆરી 2024માં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ આક્ષેપોને ખોટા ઠરાવવામાં આવ્યા છે.
રોકાણકારો ગભરાટથી દુર રહી શાંત રહે : સેબી
હિંડનબર્ગ રીસર્ચ દ્વારા સેબી પર આરોપો મુકવામાં આવ્યા છે તેના સંદર્ભમાં સેબીએ નિવેદન કર્યું હતું કે સેબીએ હિંડનબર્ગ રીસર્ચ દ્વારા પબ્લિશ કરવામાં આવેલા રિપોર્ટની નોંધ લીધી છે. રોકાણકારોએ આવા રિપોર્ટ પર રીએક્ટ કરતાં પહેલાં શાંત રહેવું જોઇએ અને કાળજી રાખવી જોઇએ. રોકાણકારો રિપોર્ટમાં આપેલ ડિસ્ક્લેમરની પણ નોંધ લેવી જોઇએ કે જેમાં નોંધવામાં આવ્યું છે કે આ રિપોર્ટમાં કરવામાં આવેલી સિક્યોરિટીઝમાં હિંડનબર્ગ રીસર્ચ કદાચ શોર્ટ પોઝિશન ધરાવે છે.
SEBI જોઇન કર્યાના બે વર્ષ પહેલા કર્યુ હતું રોકાણઃ બુચ
સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે રવિવારે હિંડનબર્ગના આરોપોનો જવાબ આપતા વિસ્તૃત નિવેદન આપ્યુ હતું. બુચ દંપતિએ કહ્યું હતું કે ફંડમાં તેમનું રોકાણ માધબી સેબીમાં સામેલ થયા તેના બે વર્ષ પહેલા કરાયું હતું. બુચ દંપતિએ કહ્યું હતું કે 2015માં 360 વન એસેટ એન્ડ વેલ્થ મેનેજમેન્ટ દ્વારા પ્રતિબંધિત આઇપીઇ પ્લસ ફંડ 1માં તેમણે રોકાણ કર્યુ હતું. આ રોકાણ માધબી સેબીમાં જોડાયા તેના બે વર્ષ પહેલા કરાયુ હતું અને ત્યારે તેઓ ખાનગી નાગરિક તરીકે સિંગાપુરમાં રહેતા હતા.
Source link