પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ભૂતપૂર્વ સૈનિક હોકાટો હોતોજી સીમાએ પોતાની કારકિર્દીનું બેસ્ટ પ્રદર્શન કરીને મેન્સ શોટપુટ એફ57 કેટેગરીમાં 14.65 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ ઇવેન્ટમાં ઇરાનના યાસિન ખોસારવીએ ગોલ્ડ તથા બ્રાઝિલના ટીપી દોસ સંતોષે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. ભારતે અત્યાર સુધીમાં છ ગોલ્ડ, નવ સિલ્વર તથા 12 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 27 મેડલ્સ જીત્યા છે. એફ57 શોટપુટ થ્રોમાં ઇરાનના એથ્લેટ યાસિને 15.96 મીટરના થ્રો સાથે પેરાલિમ્પિકનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. બ્રાઝિલના એથ્લેટે 15.06 મીટરનો થ્રો કર્યો હતો. આ ઇવેન્ટમાં ભારતનો અન્ય એક ખેલાડી સોમન રાણા 14.07 મીટરના થ્રો સાથે પાંચમા ક્રમે રહ્યો હતો.
એસ8 સ્વિમિંગ : પેરાલિમ્પિક સ્વિમિંગમાં ભારતના અભિયાનનો અંત આવી ગયો હતો. સુયશ જાધવ મેન્સ 50 મીટર બટરફ્લાય એસ7ની ફાઇનલમાં પહોંચવાથી વંચિત રહ્યો હતો. હિટ-1માં સુયશ 33.47 સેકન્ડના ટાઇમિંગ સાથે પાંચમા ક્રમાંકે તથા ઓવરઓલ 10મા ક્રમાંકે રહ્યો હતો. બંને હિટના ટોપ-4 સ્વિમર્સ ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે.
પેરા કેનોઇંગમાં નિરાશા સાંપડી : ભારતના પેરા કેનોઇંગ એથ્લેટ્સ યશ કુમાર અને પ્રાચી યાદવે તેમનું બેસ્ટ પ્રદર્શન કર્યું હોવા છતાં તેઓ મેડલ જીતવાથી વંચિત રહ્યા હતા. યશ કુમાર મેન્સ સિંગલ્સ 200 મીટર કેએલ1માં એક મિનિટ 02.03 સેકન્ડના સમય સાથે પાંચમા ક્રમે રહ્યો હતો. આ ઇવેન્ટમાં ફાઇનલ-બી નહીં હોવાના કારણે યશને મેડલ માટે બીજી તક મળી નહોતી. વિમેન્સમાં પ્રાચીએ સેમિફાઇનલ-2માં 200 મીટર વીએલ-2માં એક મિનિટ 05.66 સેકન્ડના સમય સાથે ફાઇનલ-એમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ તેમાં તે મેડલ રેસમાંથી બહાર થઇ ગઇ હતી.
Source link