
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં ગુરુવારે સવારે 10:30 વાગ્યે CRPF જવાનોનું એક બંકર વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું.
આ દુર્ઘટનામાં 3 જવાનો શહીદ થયાં છે, જ્યારે 15 અન્ય ઘાયલ થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 5 જવાનની હાલત ગંભીર છે.
ઘણા ઘાયલ સૈનિકોની હાલત ગંભીર
CRPF અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘વાહન સૈનિકોના એક જૂથને લઈ જઈ રહ્યું હતું, જે ઢાળવાળા રસ્તા પરથી લપસી ગયું અને ખીણમાં જઈને પડ્યું. ઘટનાસ્થળેથી બે મૃતદેહ મળ્યા છે, જ્યારે ઘણા ઘાયલ સૈનિકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.’
બંકર વાહનમાં કુલ 23 સૈનિકો
મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલ વાહન ફોર્સની 187મી બટાલિયનનું હતું. બંકર વાહનમાં કુલ 23 સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. વાહન કંડવા-બસંતગઢ રોડ પર પહોંચતાની સાથે જ નિયંત્રણ બહાર થઈ ગયું અને પલટી ગયું.
અકસ્માત બાદ વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ. સ્થાનિક લોકોને આ અંગે જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને જાણ કરી. પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.
ઘાયલ થયેલા તમામ સૈનિકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.