મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના હવે પરિણામોની રાહ જોવાઇ રહી છે. તેવામાં મહારાષ્ટ્રમાં પોસ્ટર બાજી શરૂ થઇ ગઇ છે. પરિણામ આવવામાં હજી સમય છે પરંતુ બારામતીમાં અજીત પવાર ભાવિ મુખ્યમંત્રીના પોસ્ટર લાગી ગયા છે. અલગ અલગ જગ્યાએ પર પોસ્ટર જોવા મળી રહ્યા છે જેમાં અજિત પવારને સતત આઠમીવાર ધારાસભ્ય ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ત્યારે પરિણામ પહેલા જ આવા પોસ્ટર લાગચા મહાયુતિમાં ચર્ચાઓ તેજ બની છે.
પરિણામ પહેલા જ સીએમને લઇને રેસ
અજિત પવાર જૂથના નેતાઓએ પરિણામો પહેલા મુખ્યમંત્રી પદ માટે લોબિંગ શરૂ કરી દીધું હોવાનું લાગી રહ્યુ છે. વિધાનસભા ક્ષેત્ર અને બારામતી વિસ્તારમાં પ્રશાંત શરદ બારાવકર મિત્ર પરિવાર સુપે પરગણા તરફથી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં ભારે મતો સાથે જીતવા બદલ શુભકામના પાઠવવામાં આવી છે. રસ્તાની કિનારે લગાવેલા આ પોસ્ટર્સથી ફરી એકવાર રાજકીય ગલીઓમાં ચર્ચાઓ તેજ થઇ રહી છે.
ઉતારી લેવાયુ પોસ્ટર
બીજી તરફ એનસીપીના વડા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મુખ્ય પ્રધાન તરીકે દર્શાવતું પોસ્ટર પક્ષના નેતા સંતોષ નાંગરે દ્વારા પુણેમાં મૂકવામાં આવ્યું હતું. જો કે બાદમાં પોસ્ટર ઉતારી લેવામાં આવ્યું હતું
શું ચાર વખત નાયબ મુખ્યમંત્રી અજીત બનશે મુખ્યમંત્રી?
ઉલ્લેખનીય છે કે અજિત પવાર ચાર વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, છતાં તેઓ મુખ્ય પ્રધાન પદ મેળવી શક્યા નથી. અજિત પવારે ઘણી વખત ખુલ્લેઆમ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કાકા શરદ પવારથી અલગ થઈને ભાજપ સાથે સત્તામાં આવેલા અજિત પવાર અને તેમના કાર્યકર્તાઓ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે.
ક્યારે આવશે ચૂંટણી પરિણામ ?
23મી નવેમ્બરે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તે નક્કી થઇ જશે. હાલમાં પોસ્ટર્સ તો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ જોવાનું એ રહેશે કે ચાર વખતના ડેપ્યુટી સીએમ આ વખતે જીતશે તો મુખ્યમંત્રી બની શકશે કે કેમ? તો બીજી તરફ એક્ઝિટ પોલ શું કહે છે તે વિશે જોઇએ તો, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDAના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે MVA 145 થી 155 બેઠકો જીતીને સરકાર બનાવવાનો દાવો પણ કરી રહી છે.
આવતીકાલે પરિણામ જાહેર થશે
મહારાષ્ટ્ર ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીએ 149 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે શિવસેનાએ 81 બેઠકો પર અને NCP 59 બેઠકો પર ચૂંટણી લડી છે. જ્યારે, કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 બેઠકો પર ચૂંટણી લડી છે. આ ચૂંટણીમાં 50 સીટો પર ઉદ્ધવ શિવસેના અને શિંદે શિવસેનાના ઉમેદવારો સામસામે હતા. NCPના હરીફ જૂથોએ 37 બેઠકો પર એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થયું હતું અને તેના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.