આવાસ યોજના એક ‘કૌભાંડ યોજના’ બની રહી છે. વટવા બાદ હવે બહેરામપુરાના 992 EWS મકાનોની જર્જરીત હાલતથી વિવાદ વધુ વકર્યો છે. આવાસોમાં ગમે ત્યારે અઘટિત ઘટના બની શકવાની ચિંતા વ્યક્ત કરાઇ છે.
વર્ષ 2011માં 25.30 કરોડના ખર્ચે બનેલા મકાનોમાં પાંચ વર્ષમાં પાઇપો તૂટી ગઇ અને પ્લાસ્ટર ખુલી ગયા હોવાની ફરિયાદો ઊઠી હતી. તમામ આવસોની 13 વર્ષમાં ખરાબ હાલત થઇ ગઇ હોવા છતાં મ્યુનિ.અધિકારીઓએ કોઈ ધ્યાન જ આપ્યું નહીં. સ્થાનિકો જ્યારે મ્યુનિ. તંત્રમાં ફરિયાદ કરવા ગયા ત્યારે તંત્ર દ્વારા ‘મફતના ભાવે મકાન મળ્યા છે તો જાતે રિપેર કરી લેવાનું’ એવો ઉદ્ધતાઈભર્યો જવાબ આપી રવાના કરી દેવાયા હતા. આમ આવાસ યોજનામાં 40 વર્ષની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની ગેરંટીના ધજગરા ઊડી ગયા છે, ત્યારે તંત્ર દોષારોપણમાં વ્યસ્ત છે.
બહેરામપુરામાં સંતોષનગર સિકંદર બખ્ત EWS ના 992 મકાનો પાછળ અંદાજે 25.30 કરોડ ખર્ચ કરાયો હતો. વર્ષ 2011માં મકાનોની ફાળવણી કરી દેવાઇ હતી. આ પછી 5 વર્ષમાં બિલ્ડિંગની પાઇપો તૂટી જવા સહિત પ્લાસ્ટર ખૂલી ગયા હોવાની ફરિયાદો ઊઠવા લાગી છે. કોઈ ફરિયાદ સાંભળતું નથી. મ્યુનિ.અધિકારીએ કહ્યું કે, 36 મહિનાનો ડિફેક્ટ લાઇબિલિટી પિરિયડ હતો, જે વર્ષ 2014માં પૂરો થઈ ગયો છે. બીજી બાજુ રિવરફ્રન્ટના વિસ્થાપિતોને મકાનો ફાળવી દેવામાં વાહવાહી લૂંટનાર અધિકારીઓ હવે ભૂગર્ભમાં જતા રહ્યા છે. એક ખાનગી ડેવલપર્સે કહ્યું કે, ખાનગી મકાનો 10 કે 15 વર્ષમાં જર્જરીત થતા નથી. ખરેખર બિલ્ડિંગ બને ત્યારે ધ્યાન આપવું જોઇએ. તમામ બાંધકામમાં મટિરિયલની ચકાસણી સૌથી જરૂરી છે. જે નહીં થતાં હાલ પોલમપોલ બહાર આવી રહી છે.
Source link