ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આક્ષેપો, પ્રતિઆક્ષેપો, દાવાઓ અને વચનોનો સિલસિલો ચાલુ છે. આ શ્રેણીમાં આસામના સીએમ અને ભાજપના ઝારખંડ ચૂંટણી સહ-પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, જો ભાજપ સત્તામાં આવશે તો હુસૈનાબાદ જિલ્લો બનાવવામાં આવશે. તેમજ આ જિલ્લાનું નામ બદલીને રામ કે કૃષ્ણનું નામ રાખવામાં આવશે.
હુસૈનાબાદને જિલ્લો બનાવવામાં આવશે
આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, જો ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો હુસૈનાબાદને જિલ્લો બનાવવામાં આવશે. આ ઉપરાંત તેનું નામ ભગવાન રામ અથવા કૃષ્ણના નામ પર રાખવામાં આવશે. તેણે વધુ એક મોટી જાહેરાત કરી છે. સરમાએ કહ્યું કે, જો સરકાર બનશે તો ઝારખંડમાંથી ઘૂસણખોરોને ભગાડવા એ ભાજપની પ્રાથમિકતા હશે.
ઘૂસણખોરોના કારણે બદલાઈ રહી છે ઝારખંડની ડેમોગ્રાફી
હિમંતા બિસ્વા સરમાએ પલામુ જિલ્લામાં આ નિવેદન આપ્યું છે. તેઓ હુસૈનાબાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર કમલેશ સિંહની ચૂંટણી રેલીને સંબોધવા માટે જપલા મેદાન આવ્યા હતા. રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોને કારણે ઝારખંડની ડેમોગ્રાફી બદલાઈ રહી છે. પરંતુ સત્તામાં રહેલી ઝારખંડ મુક્તિ મોરચા આ મામલે મૌન સેવી રહી છે. તેનું કારણ એ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમની વોટ બેન્ક છે.
ઘૂસણખોરોને દૂર કરવા NRC લાગુ કરાશે
આસામના સીએમએ કહ્યું કે, જો સરકાર બનશે તો રાજ્યમાંથી ઘૂસણખોરોને ભગાડવા એ ભાજપની પ્રાથમિકતા છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને રાજ્યમાંથી બહાર કાઢવા માટે અમે NRC લાગુ કરીશું. ઉલ્લેખનીય છે કે, રાજ્યની 81 સભ્યોની વિધાનસભા માટે 13 અને 20 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.