BUSINESS

ઇરાન-ઇઝરાયેલ વચ્ચેનો તણાવ પૂર્ણ કક્ષાના યુદ્ધમાં પરિવર્તિત થાય તો ભારતના હાલ બેહાલ

પાછલા સપ્તાહે મંગળવારે મોડી રાત્રે ઇરાને ઇઝરાયેલ પર આશરે 200 જેટલી મિસાઇલથી હુમલો કર્યો હતો. અગાઉના સપ્તાહમાં હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલ હસન નસરલ્લાહની હત્યાનો બદલો લેવા આ હુમલો કરવામાં આવ્યો હતો.

ઇરાને જેવો આ હુમલો કર્યો તે પછી તરત જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન આપી જણાવ્યું હતું કે ઇરાને આ હુમલો કરીને બહુ મોટી ભૂલ કરી છે અને આ હુમલાની કિંમત ઇરાને ચુકવવી પડશે. અમેરિકા પણ તેના વર્ષો જુના સાથી ઇઝરાયેલને સંપૂર્ણ ટેકો આપી રહ્યું છે ત્યારે આ હુમલાનો બદલો લેવાની પ્રતિબદ્ધતા પણ નેતન્યાહુએ વ્યક્ત કરી હતી.

તે પછી ગુરુવારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)એ જણાવ્યું હતું કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલે કરેલા હુમલામાં હિઝાબુલ્લાહના 15 આંતકવાદીઓ માર્યા ગયા હતા. દક્ષિણ લેબનોનમાં હિઝાબુલ્લાહ સાથેના સંઘર્ષમાં ઇઝરાયેલના 8 સૈનિકો માર્યા ગયા પછી ઇઝરાયેલે આ હુમલો કર્યો હતો. બીજી તરફ અન્ય એક ઘટનાક્રમમાં ઇરાનનું સમર્થન ધરાવતા યેમન સ્થિત હૌથી બળવાખોરોએ એવી જાહેરાત કરી હતી કે તેમણે ઇઝરાયેલના તેલ અવીવ પર બે ડ્રોનથી હુમલો કર્યો હતો. અગાઉ એક વર્ષ પહેલા એટલે કે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇરાનનું પીઠબળ ધરાવતા હમાસે ગાઝા પટ્ટી પરથી ઇઝરાયેલ પર અચાનક હુમલો કર્યો ત્યારેથી આ યુદ્ધના મંડાણ થયા છે અને તે પછી લેબનોનમાં હાલમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને પગલે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધનો નવો મોરચો ખુલ્યો છે. હવે ઇઝરાયેલ બદલો લેવા મરણિયું બન્યું છે ત્યારે આ યુદ્ધ વધુ વકરે એવા એંધાણ છે.

હવે પશ્ચિમ એશિયામાં શું થશે એની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કારણ કે ઇઝરાયેલનું વર્ષો જુનુ સાથી એવું અમેરિકા ઇરાનના મિસાઇલ એટેક સામે ઇઝરાયેલ સીમિત પ્રમાણમાં જ વળતો હુમલો કરે એવું ઇચ્છે છે, જ્યારે ઇઝરાયેલ તેના સૌથી જુના દુશ્મન એવા ઇરાન સામે પૂર્ણ કક્ષાનું યુદ્ધ શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે. આવા સંજોગોમાં ભારત સહિતના વૈશ્વિક ટ્રેડર્સ પશ્ચિમ એશિયામાં હાલમાં ઊભા થયેલા તણાવના પગલે લાંબાં સમય માટે વૈશ્વિક વેપારમાં અવરોધ જળવાઇ રહેશે એવી પરિસ્થિતિ માટે તૈયાર થઇ ગયા છે. જોકે હાલમાં ઊભી થયેલી તણાવની સ્થિતિ વણસે અને પૂર્ણ કક્ષાના યુદ્ધમાં પરિવર્તિત થાય તો વૈશ્વિક વેપાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાતો રાતા સમુદ્રના માર્ગનો ઉપયોગ હાલની ધારણાથી પણ ઘણા વધારે સમય માટે કરી ન શકાય એવી પરિસ્થિતિ ઊભી થઇ શકે એમ છે. જો આમ થાય તો નિકાસ માટેના નૂરભાડાં આસમાને જઇ શકે છે અને યુદ્ધ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય એવા દેશમાં નિકાસ માટેના માલસામાનના વીમાનું પ્રિમિયમ પણ અત્યંત ઊંચુ જઇ શકે છે. યુરોપ, યુએસ, આફ્રિકા અને પશ્ચિમ એશિયામાં કરવામાં આવતી નિકાસ માટે ભારત સુએઝ કેનાલના માર્ગ પર મોટો આધાર રાખે છે અને ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ વકરે તો ભારતની આ દેશોમાંથી થતી નિકાસ પર તેની મોટી વિપરીત અસર થઇ શકે છે. હાલમાં પણ આ બન્ને દેશો વચ્ચે ઊભા થયેલા તણાવની અસર ભારતની નિકાસ પર વર્તાવા માંડી છે. ઓગસ્ટમાં ભારતમાં થતી નિકાસમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે.નફાના ગાળામાં ઘટાડો થયો અને શિપિંગ કોસ્ટ વધી તેને પગલે પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં 38 ટકાનો ઘટાડો થયો એ બાબત ઓગસ્ટમાં નિકાસમાં થયેલા આ ઘટાડા માટે મુખ્યત્ત્વે જવાબદાર છે.

ભારત ઇરાન, ઇઝરાયેલ અને લેબનોન સાથે મોટા પ્રમાણમા દ્વિપક્ષી વેપાર કરે છે. ઇરાન અને ઇઝરાયેલમા તે નિકાસ અને આયાત બન્ને કરે છે જ્યારે લેબનોનમાં માત્ર નિકાસ કરે છે. આ આયાત નિકાસમાં મિડલ ઇસ્ટમાં ઊભા થયેલા તણાવને પગલે 2023-24માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને હવે જે પરિસ્થિતિ વધુ વણસી છે તેના પરિણામે ભારતના આ દેશો સાથેના વેપાર પર વધુ વિપરીત અસર થઇ શકે છે.

વર્ષ 2023-24માં ભારતે ઇઝરાયેલમાં 4.5 અબજ ડોલરની નિકાસ કરી હતી જ્યારે આયાતનો આંકડો 2 અબજ ડોલર રહ્યો હતો. ઇઝરાયેલમાં કરેલી નિકાસમાં મુખ્યત્ત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, મશિનરીના પાર્ટ્સ અને જેમ્સ તથા જ્વેલરી સમાવિષ્ટ છે, જ્યારે આયાતમાં મુખ્યત્ત્વે ટેક્સટાઇલ્સ, મશિનરી તથા ઇક્વિપમેન્ટ્સ અને એરક્રાફ્ટના પાર્ટ્સ સમાવિષ્ટ છે. ઇરાન પણ ભારતનું મહત્ત્વનું ટ્રેડ પાર્ટનર છે. ઇરાનમાં ભારતે 2023-24માં 1.2 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે આયાતનો આંકડો 62.50 કરોડ ડોલરનો રહ્યો હતો. આ દેશમાં ભારતે કરેલી નિકાસમાં મુખ્યત્ત્વે અનાજ, ઓર્ગેનિક કેમિકલ્સ અને મિશનરીના પાર્ટ્સનો સમાવેશ થાય છે, જ્યારે આયાતમાં મુખ્યત્ત્વે કેમિકલ્સ, ફળો, સુકો મેવો, પેટ્રોલ તથા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. વર્ષ 2023-24માં ભારતે લેબનોનમાં કરેલી નિકાસનો આંકડો 34.40 કરોડ ડોલર જ્યારે આયાતનો આંકડો 11.20 કરોડ ડોલર થાય છે. આ દેશમાં કરવામાં આવેલી નિકાસમાં અનાજ, મિટ, તેલિબિયા, અન્ય કૃષિપેદાશો, કેમિકલ અને ફાર્મા પ્રોડક્ટ્સ મુખ્ય છે, જ્યારે આયાતમાં મીઠું, સલ્ફર, પથ્થરો, પ્લાસ્ટરિંગ માટેનું મટિરિઅલ, ચુનો, સિમેન્ટ, આયર્ન, સ્ટીલ અને એલ્યુમિનિયમ મુખ્ય છે.

ઇરાન-ઇઝરાયેલ તણાવને પગલે ભારત પર પડનારી સંભવિત અસરો

તણાવને પગલે સ્વભાવિકપણે ક્રૂડના ભાવ ઊંચા જાય અને આમ થાય તો ભારતમાં ફુગાવાનો દર વધે કારણ કે માલસામાનના પરિવહનમાં ઇંધણનો જ ઉપયોગ થાય છે

ફુગાવાનો દર વધે આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો ન કરી શકે, જેની વિપરીત અસર આર્થિક વૃદ્ધિદર પર થાય

ભારત તેની ઇંધણની 85 ટકાથી પણ વધુ જરૂરિયાત આયાતથી સંતોષે છે. આથી જો ક્રૂડના ભાવ ઊંચા જાય તો તેના પગલે ભારતના આયાતના બિલમાં જંગી વધારો થાય

ક્રૂડની આયાત વધે તેના કારણે અને ભારતના શેરબજારમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાય તેના કારણે ડોલરનો જંગી આઉટફ્લો જોવા મળે અને પરિણામે રૂપિયાનું નોંધપાત્ર પ્રમાણમાં ધોવાણ થાય

ક્રૂડ ઓઇલના ભાવ વધે તેની સીધી વિપરીત અસર ભારતીય શેરબજાર પર જોવા મળે અને મંદીનો માહોલ સર્જાય

ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોરની યોજના સામે હવે અનેક પડકારો

પાછલા વર્ષે જે જી20 સમિટ યોજાઇ હતી ત્યારે ભારત, યુએસ, યુએઇ, સાઉદી અરેબિયા, ઇટાલી, ફ્રાન્સ, જર્મની અને યુરોપિયન કમિશને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઇએમઇસી)ની યોજનાની જાહેરાત કરી હતી. હવે જો મિડલ ઇસ્ટમાં ઊભું થયેલું ટેન્શન વધે તો આ યોજનાની પ્રગતિ અવરોધાઇ શકે છે. આ યોજનાને અમલી બનાવવા પાછળનો મુખ્ય હેતુ ભારતને ખાડીના દેશો તથા યુરોપ સાથે જોડવા માટે ઝડપી રૂટનું નિર્માણ કરી સુએઝ કેનાલ પરની નિર્ભરતાને ઘટાડવાનો હતો. જોકે હવે નવી પરિસ્થિતિમાં આ યોજનાના અમલીકરણ સામે અનેક પડકારો ઊભા થયા છે.

ભારતની ક્રૂડની આયાતની કોસ્ટમાં નોંધપાત્ર વધારાની પૂરેપૂરી શક્યતા

ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલથી હુમલો કર્યો ત્યારથી જ તળિયે ગયેલા ક્રૂડના ભાવમાં ફરીથી વધારાની ચાલ શરૂ થઇ ગઇ છે અને ભાવ 5 ટકાથી પણ વધુ વધીને પ્રતિ બેરલ 75 ડોલરની સપાટીને પાર કરી ગયા છે. હવે વૈશ્વિક વેપાર કરતાં વર્ગને એવી ભીતિ છે કે બન્ને દેશો વચ્ચેનો તણાવ વધુ વકરે તો તેના પરિણામે ઇરાન હોર્મુઝના અખાતનો માર્ગ બ્લોક કરી શકે છે અને સાથે સાથે સાઉદી અરેબિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ઇરાન હુમલો કરી શકે છે. ઇરાને 2019માં આમ કર્યું પણ હતું. ભારત માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ભારત કતારમાંથી એલએનજીની આયાત કરે છે, જ્યારે સાઉદી અરેબિયા અને ઇરાકમાંથી ભારત દ્રારા જે ક્રૂડ ઓઇલની આયાત કરવામાં આવે છે તે પણ હોર્મુઝના અખાતના માર્ગેથી જ થાય છે. ભારત ક્રૂડ ઓઇલના સપ્લાય માટે મુખ્યત્ત્વે ઇરાક, સાઉદી અરેબિયા, યુએઇ અને કુવૈત પર આધાર રાખે છે. આ દેશોમાંથી આવતુ ક્રૂડ હોર્મુઝના અખાતના માર્ગે જ આવે છે. આ ઉપરાંત ભારત રશિયામાંથી પણ જે ક્રૂડ ઓઇલની આયાત કરે છે તે પણ રાતા સમુદ્રના માર્ગે જ આવે છે. હવે જો ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસે તો ક્રૂડ ઓઇલના શિપમેન્ટને કેપ ઓફ ગુડ હોપના ઘણા લાંબાં માર્ગેથી ભારત આવવું પડે જેને પરિણામે આયાત ઘણી મોંધી પડે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button