વિધાસભામાં સટ્ટો-જુગાર રમતાનો વીડિયો વાઈરલ થયા બાદ મંત્રી માણિકરાવની સ્પષ્ટતા, સત્ય સામે આવશે તો હું રાજીનામું આપી દઈશ

મહારાષ્ટ્રમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બીજી તરફ ચાલુ વિધાનસભામાં મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટે સટ્ટો-જુગાર રમતા હોવાનો એક વીડિયો વાઈરલ થયો છે.
આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષે શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે માણિકરાવ કોકાટેએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે જો તેમાં કોઈ સત્ય સામે આવશે તો હું રાજ્યપાલ પાસે જઈને મારું રાજીનામું આપી દઈશ.
મંત્રી માણિકરાવ કોકાટેએ આરોપોને નકારી કાઢ્યા
જોકે, મંત્રી માણિકરાવ કોકાટેએ આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે જ્યારે વિધાનસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી ત્યારે તેઓ ફક્ત તેમના ફોન પર ડાઉનલોડ કરેલી ગેમને સ્કિપ કરી યુટ્યૂબ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ બધું ફક્ત 5 થી 10 સેકન્ડનો મામલો હતો જેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો.
કોકાટેનો વીડિયો શરદ પવાર જૂથના ધારાસભ્યે શેર કર્યો
વિધાનસભા સત્ર દરમિયાન રમી રહેલા કોકાટેનો વીડિયો વાઈરલ થયો છે. તેને લઈને કોકાટેના રાજીનામાની માગને લઈને દબાણ વધી રહ્યું છે. કોકાટેનો વીડિયો શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે એક્સ પર પોસ્ટ કર્યો હતો.
વિધાનસભાની ચર્ચા દરમિયાન ગંભીરતાથી બેસવું જરૂરી: CM
ત્યારબાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ માણિકરાવ કોકાટેની ટીકા કરી હતી. તેમણે સોમવાર મીડિયાને કહ્યું હતું કે, ‘મારું માનવું છે કે આ ખૂબ જ અયોગ્ય છે. ભલે કોઈ વ્યક્તિ કાર્યવાહીમાં સક્રિય રીતે ભાગ ન લઈ રહ્યું હોય, છતાં પણ વિધાનસભાની ચર્ચા દરમિયાન ગંભીરતાથી બેસવું જરૂરી છે.’