દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદ ઠંડકની લહેર પાથરી રહ્યો છે. તેવામાં હજી પણ કેટલાક રાજ્યોમાં વરસાદનું જોર યથાવત રહેવાનું છે. કારણ કે હવામાન વિભાગે કેટલાક દિવસો માટે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિત રાજ્યના અલગ અલગ ભાગોમાં ધોધમાર વરસાદની ભવિષ્યવાણી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
આ રાજ્યોમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે કહ્યું છે કે પશ્ચિમ બંગાળ અને તેની બાજુના બાંગ્લાદેશના ગંગા તટીય વિસ્તારમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે, જેના કારણે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન અને આસામ અને મેઘાલયમાં 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે. આ સાથે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંને રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની ચેતવણી આપી છે. ઝારખંડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ અઠવાડિયે હવામાન કેવું રહેશે?
- દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં, 16 અને 17 સપ્ટેમ્બરના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં અને 17 સપ્ટેમ્બરે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની અપેક્ષા છે.
- જ્યારે દક્ષિણ ભારતમાં, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહે, લક્ષદ્વીપમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
- જ્યારે બાકીના વિસ્તારોમાં અઠવાડિયા દરમિયાન છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
- બંગાળની ખાડીના ઉત્તરીય ભાગમાં અને પશ્ચિમમાં ભારે વરસાદને કારણે હવામાન વિભાગે માછીમારોને 16 સપ્ટેમ્બરની સવાર સુધી બંગાળની ખાડીના ઉત્તરીય ભાગ અને બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠામાં ન જવાની સલાહ આપી છે.
- બંગાળ- ઓડિશાના દરિયાકાંઠે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.
- સોમવારથી બુધવાર સુધી હિમાચલ પ્રદેશના છ જિલ્લાઓમાં જુદા જુદા સ્થળોએ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે.
- રાજસ્થાનમાં આગામી બે-ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
દિલ્હીમાં કેવું રહેશે વાતાવરણ
મહત્વનું છે કે રાજધાની દિલ્હીમાં રવિવારે હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગે જણાવ્યુ છે કે હવે સોમવારથી દિલ્હીમાં વરસાદી મોસમ બંધ થઈ જશે અને ચોમાસું 19 થી 25 સપ્ટેમ્બરની વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીને વિદાય આપશે. આગાહી મુજબ સોમવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.
Source link