ઉત્તર ભારતમાં શિયાળો યથાવત છે. કાશ્મીરના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે ગયું છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ ઠંડી વધી છે. ઠંડીની સાથે સાથે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણ પણ એટલુ જ જોવા મળી રહ્યું છે. જેના કારણે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કેટલીક જગ્યાએ ધુમ્મસ અને ગાઢ ધુમ્મસની સંભાવના છે, આવી સ્થિતિમાં લઘુત્તમ તાપમાન 6 થી 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. જ્યારે રાત્રિના સમયે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ રાજ્યોમાં એલર્ટ
પહાડોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે જ્યાં તાપમાન ઘટવાથી ધુમ્મસ ફેલાઈ રહ્યું છે અને લોકો ઠંડીથી બચવા બોનફાયરનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 4 જિલ્લાઓમાં શનિવાર સુધી તીવ્ર ઠંડીની ચેતવણી આપી છે. આ સિવાય મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખીને એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની આગાહી
- IMD અનુસાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના ઘણા જિલ્લાઓમાં આગામી 2-3 દિવસ સુધી ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડી પડશે.
- મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હિમ પડવાની અપેક્ષા છે.
- તો રાજસ્થાનના અનેક શહેરોમાં પણ તાપમાન માઈનસમાં જવાની શક્યતા છે.
- આવી સ્થિતિમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટશે અને ઠંડી વધશે.
- બીજી તરફ IMDએ ઝારખંડ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે.
પહાડોમાં હિમવર્ષા થવાની સંભાવના
જો જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યોની વાત કરીએ તો અહીં પણ વધતી ઠંડીને કારણે લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો થયો છે. હિમાચલના નીચા પહાડી અને મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું ચાલુ રહેવાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે-
- રાજ્યના 12માંથી 4 જિલ્લામાં શનિવાર સુધી તીવ્ર ઠંડીનું મોજું આવવાની ચેતવણી આપવામાં આવી છે.
- ઉના, બિલાસપુર, હમીરપુર અને મંડી જિલ્લાના નીચલા પહાડી વિસ્તારોમાં કેટલાક સ્થળોએ તીવ્ર શીત લહેરનું ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.
- ચંબા અને કાંગડામાં શનિવાર સુધી કોલ્ડવેવ ચાલુ રહેવા માટે યલો એલર્ટ આપ્યુ છે.
- જમ્મુ અને કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોમાં હળવો હિમવર્ષા થવાની સંભાવના છે.
- આગામી ત્રણ દિવસ સુધી ખીણમાં ઘણી જગ્યાએ શીત લહેર આવવાની શક્યતા છે.
- ઉત્તર અને પૂર્વ ભારતમાં શિયાળાનું કઠોર વાતાવરણ લોકોને થથરી રહ્યું છે, તેથી તમામ એલર્ટ બાદ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.