મણિપુરના ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લામાં તાજેતરમાં સુરક્ષાદળોએ બે સ્ટારલિન્ક ડિવાઇસ જપ્ત કરી છે. આ ઘટના બાદ મણિપુરમાં ઉગ્રવાદીઓ દ્વારા સેટેલાઇટ ઇન્ટરનેટના ઉપયોગની અટકળોએ વેગ પકડયો છે. બીજી તરફ સ્પેસએક્સના સીઇઓ એલન મસ્કે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં સ્ટારલિન્ક સેટેલાઇટ બીમ્સ એક્ટિવ નથી.
ભારત ઉપર સ્ટારલિન્કના સેટેલાઇટ બીમ્સ બંધ કરી દેવાયા છે. ભારતીય સૈન્યની સ્પિયર કોરે જપ્ત કરાયેલી ચીજોની તસવીરો સોશિયલ મીડિયા એક્સ પર શૅર કરતા એક યુઝરે ધ્યાન દોર્યું હતું કે તેમાંથી એક ડિવાઇસ પર સ્ટારલિન્કનો લોગો હતો. પછી અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે સ્ટારલિન્કનો ઉગ્રવાદીઓ દ્વારા ઉપયોગ થઇ રહ્યો છે. આશા છે કે એલન મસ્ક આ બાબતે ધ્યાન આપશે. ત્યાર પછી મસ્કે જવાબ આપ્યો હતો કે આ ખોટું છે. ભારતની ઉપર સ્ટારલિન્કના સેટેલાઇટ બીમ્સ બંધ કરી દેવાયા છે. ભારતમાં તે ક્યારેય ઓન હતા જ નહીં. ઉલ્લેખનીય છે કે સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસીસ પ્રોવાઇડ કરતી મસ્કની કંપની સ્ટારલિન્ક પાસે ભારતમાં કામ કરવાનું લાઇસન્સ નથી. મણિપુર પોલીસના જણાવ્યા પ્રમાણે કેરાઓ ખુનૌમાંથી જપ્ત કરાયેલી સામગ્રીમાં એક સેટેલાઇટ ઇન્ટરનેટ એન્ટેના, એક સેટેલાઇટ ઇન્ટરનેટ રાઉટર અને અંદાજે 20 મીટરનો એફટીપી કેબલ સામેલ છે.
Source link