ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મનસ્વીભર્યા નિર્ણયો લેવાતાં હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. કારણ કે, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીબીએ-બીસીએ કોલેજોની ફીમાં વધારા અંગે ફી રેગ્યુલેટરી કમિટી પહેલાં કુલપતિએ જ વધારો આપી દીધો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
મહત્ત્વની વાત તો એ છે કે, નિવૃત્ત જજના વડપણ હેઠળ ફી નક્કી કરવા માટે કમિટી રચવામાં આવી છે એ માત્ર કાગળ પર રહે તેવો ડોળ દેખાઈ રહ્યો છે. સ્કૂલ હોય કે કોલેજ હોય તેની ફી નક્કી કરવા માટે ફી રેગ્યુલેટરી કમિટી નિમવામાં આવતી હોય છે. આ કમિટી સમક્ષ કોલેજોએ વિદ્યાર્થી સંખ્યા સહિત પાછલા ત્રણ વર્ષના ખર્ચના હિસાબો રજૂ કરવાના હોય છે. ખર્ચના હિસાબ સામે વિદ્યાર્થીઓ પાસેથી મળતી હાલની ફીમાં થતી આવક મૂકવાની હોય છે. આ દરમિયાન સંસ્થાઓએ જે ફી વધારો માગ્યો હોય છે તેનુ વાજબીપણુ દરખાસ્તમાં સાબિત કરવુ પડે છે. સંસ્થાની દરખાસ્તના આધારે ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ફાઇલની ચકાસણી કરવામાં આવે છે, જેમાં સીએ સહિતની સભ્યો નિમાયેલ હોય છે. આ દરમિયાન કમિટીએ જે બાબતો યોગ્ય જણાય એ મુજબનો ફી વધારો આપવામાં આવે છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં અવળીગંગા કહો કે પછી જોહુકમી જોવા મળી રહી છે. હાલમી મળતી વિગતો મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીબીએ-બીસીએ કોલેજની હાલની ફી રૂ.11 હજાર છે, જેમાં રૂ.2,500નો વધારો કરવાનો ખુદ કુલપતિ દ્વારા નિર્ણય લેવાઈ ચૂક્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. મહત્ત્વની વાત તો એ છે કે, બોર્ડ અને કાઉન્સિલની બેઠકની જે મિનિટ્સ રજૂ કરવામાં આવી છે એમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોલેજોની ફી વધારો અંગે રજૂઆત આવી છે જેના પર વિચારણા કરાશે. ખરેખર આ બેઠકમાં વિચારણા કરી ફી વધારો કેટલો કરવો એ અંગેનો નિર્ણય પણ લેવાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
Source link