અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગરબામાં ગુંડાગીરીના CCTV સામે આવ્યા છે. અસામાજિક તત્વોએ ગરબા દરમિયાન આતંક મચાવ્યો હતો અને ચાલુ ગરબામાં સોસાયટીમાં મારામારી કરી હતી.
નિકોલ પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
નિકોલના એક ફલેટમાં ગરબામાં નશામાં ધૂત થઈ આવેલા યુવક અને અન્ય અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો સાથે ફ્લેટમાં મારામારી કરી હતી. મહિલાઓ અને પુરુષોને બહારથી આવેલા ગુંડાઓએ માર માર્યો હતો. ત્યારે આ અંગે નિકોલ પોલીસ ફરિયાદ ના લેતી હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને કાર માલિક વચ્ચે બબાલ
બીજી તરફ રાજકોટમાં પણ ટ્રાફિક પોલીસ અને કારમાલિક વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના બની છે. કોટેચા ચોક પાસે ટ્રાફિક પોલીસ કાર્યવાહી માટે ગઈ હતી, ત્યાં પાર્કિંગમાં પડેલી કારને લોક મારતા કારમાલિક વિફર્યો હતો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થયા બાદ કારચાલકે લોક મારનાર કોન્સ્ટેબલને લાત મારી હતી. તે પછી કોન્સ્ટેબલે પણ પિત્તો ગુમાવતા કારચાલકને મારવા માટે ધોકો ઉપાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
બે દિવસ પહેલા પણ રાજકોટમાં મારામારીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી. શહેરના માવડી ચોકડી પાસે મારામારીની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કોઈ વાતને લઈને બે જૂથ વચ્ચે હાથોહાથની મારામારી થઈ હતી. એક વ્યક્તિ હાથમાં હથોડી લઈને અન્ય વ્યક્તિને મારવા લાગ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
સુરેન્દ્રનગર લખતર હાઈવે પર લુખ્ખાઓનો ત્રાસ
સુરેન્દ્રનગરના લખતર હાઈવે પર લુખ્ખાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ લુખ્ખા તત્વો રાત્રે હાઈવે પરથી જતી ગાડીઓને રોકીને લુંટ ચલાવતા હતા. રાત્રે જતી ગાડીને રોકવા રોડ પર એક વ્યક્તિ સુઈ જતો અને અન્ય વ્યક્તિઓ રોડની બાજુમાં બેઠેલા રહેતા હતા. રોડ પર લોકોને લુંટવા આ લુખ્ખા તત્વો દ્વારા નવો કીમિયો અજમાવ્યો હતો અને અંધારાનો લાભ લઈ લૂંટારાઓ લૂંટ કરે છે.
Source link