મુકાબલાના અંતિમ સમયમાં એક મિનિટ અને 55 સેકન્ડમાં બે ઉપરાછાપરી ગોલ કરીને માન્ચેસ્ટર યુનાઇટેડે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલમાં માન્ચેસ્ટર ડર્બી તરીકે ગણવામાં આવી મેચમાં માન્ચેસ્ટર સિટીને 2-1થી પરાજય આપ્યો હતો. અન્ય મુકાબલામાં ટોટનહામ હોટ્સપુર તથા ચેલ્સીનો પણ વિજય થયો હતો.
માન્ચેસ્ટર સિટીએ જોસ્કો વાર્ડિયોલે 36મી મિનિટે નોંધાવેલા ગોલ વડે 1-0ની લીડ મેળવી હતી. ત્યારબાદ બંને ટીમ તરફથી ગોલ કરવાના પ્રયાસ થયા હતા પરંતુ કોઈને સફળતા મળી નહોતી. મેચમાં સિટીનો વિજય થશે તેવું લાગી રહ્યું હતું ત્યારે બ્રુનો ફર્નાન્ડેઝે 88મી મિનિટે (87 મિનિટ 11 સેકન્ડ) પ્રથમ ગોલ કરીને યુનાઇટેડ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ત્યારબાદ અમદ ડાયલોએ 90મી મિનિટે (89 મિનિટ 06 સેકન્ડ) બીજો ગોલ કરીને યુનાઇટેડનો 2-1થી વિજય નિશ્ચિત કર્યો હતો.
ટોટનહામે પોઇન્ટ ટેબલમાં તળિયાના ક્રમે રહેલી સાઉથમ્પ્ટન સામે 5-0થી વિજય મેળવ્યો હતો. જેમ્સ મેડિસને પહેલી તથા 45 પ્લસ પાંચમી મિનિટે, સોન હિયુંગ મિને 12મી, ડેજાન કુલસેવસ્કીએ 14મી તથા પાપે મતાર સારેએ 25મી મિનિટે ગોલ કર્યો હતો. ક્રિસ્ટલ પેલેસે બ્રાઇટન સામે 3-1થી વિજય મેળવ્યો હતો. ક્રિસ્ટલ પેલેસ માટે ટ્રેવોહ ચલોબાહે 27મી તથા ઇસ્માલિયા સારેએ 33મી અને 82મી મિનિટે ગોલ કર્યા હતા. પેલેસના માર્ક ગુઇહીએ 87મી મિનિટે આત્મઘાતી ગોલ કરતાં બ્રાઇટનના ખાતામાં એક ગોલ નોંધાવ્યો હતો.
Source link