પાકિસ્તાન ક્રિકેટમાં પરિવર્તનનો તબક્કોબંધ થવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. હવે પાકિસ્તાન ટેસ્ટ ટીમના મુખ્ય કોચ જેસન ગિલેસ્પીનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જેમાં તેણે સ્પષ્ટ કર્યું છે કે હવે પાકિસ્તાન ટીમની પસંદગીમાં તેની કોઈ ભૂમિકા રહેશે નહીં. જ્યારે કોચના પદ પર નિયુક્તિ સમયે તેમને વચન આપવામાં આવ્યું હતું કે ટીમનું નિયંત્રણ તેમના હાથમાં આપવામાં આવશે.
હું હવે માત્ર એક કોચ..: જેસન ગિલેસ્પી
જેસન ગિલેસ્પીએ એક મીડિયા કોન્ફરન્સમાં કહ્યું, “હું હવે માત્ર એક કોચ છું, જે મેચના દિવસે રણનીતિ પર કામ કરશે. તેથી હું અન્ય બાબતો વિશે વિચારીશ નહીં અને માત્ર ખેલાડીઓ અને તેમના ક્રિકેટને સુધારવા પર ધ્યાન આપીશ.” દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના એક સૂત્રએ જણાવ્યું હતું કે ટેસ્ટ ટીમના કોચ જેસન ગિલેસ્પી અને કેપ્ટન શાન મસૂદ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી મેચ પછી પસંદગીકારોને મળવા જઈ રહ્યા છે.
કેપ્ટન અને કોચ અત્યારે મૌન
પીસીબી તરફથી એવી માહિતી પણ સામે આવી છે કે કોચ જેસન ગિલેસ્પી અને કેપ્ટન શાન મસૂદ અત્યારે મૌન છે, પરંતુ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી સમાપ્ત થયા બાદ તેઓ પીસીબી અધ્યક્ષ પાસેથી સ્પષ્ટ જવાબ માંગી શકે છે. પીસીબીના સૂત્રએ મોટો ખુલાસો કરતા કહ્યું કે જ્યારે જેસન ગિલેસ્પી અને ગેરી કર્સ્ટનને કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમને ખાતરી આપવામાં આવી હતી કે ટીમની પસંદગી અને પ્લેઈંગ ઈલેવનના મામલામાં તેમનો અભિપ્રાય ચોક્કસપણે લેવામાં આવશે.
આ કારણે નારાજ છે કોચ
ગિલેસ્પી હવે ટીમની પસંદગી પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ન મળવાથી નારાજ છે. તેણે કોન્ફરન્સમાં ખુલાસો કર્યો, “પ્રથમ ટેસ્ટ મેચ પછી પીસીબીએ હસ્તક્ષેપ કર્યો. નિર્ણય લેવામાં આવ્યો કે એક નવી પસંદગી સમિતિની રચના કરવામાં આવશે અને તે ટીમના મામલામાં તમામ નિર્ણયો લેશે. મને નિર્ણયોમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.”