રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે 10 વાગ્યા આસપાસ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના કોઠારીયા રોડ પર નીલકંઠ સિનેમા પાસે હર્મિશ ગજેરા નામના 27 વર્ષીય યુવાનની દોલતસિંહ સોલંકી નામના શખ્સ દ્વારા જાહેરમાં મેઈન રોડ પર સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવ અંગે જાણ થતાં રાજકોટ ભક્તિનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું મુખ્ય કારણ કોઠારીયા રોડ પર ખોડિયાર હોટલ આવેલ હોય અને ત્યાં જ આરોપી દોલતસિંહ સોલંકીની ફાયનાન્સની ઓફિસ આવેલી હોવાથી મૃતક યુવાન હર્મિશ બે દિવસ પહેલા ત્યાં બેઠો હતો અને એ સમયે અહીંયા બેસવું નહીં તેમ કહી બોલાચાલી કરી હતી અને ફરીથી ગઈકાલે આ જ બાબતે બોલાચાલી કરી યુવકને છાતીના ભાગે છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી દીધી છે.
આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દોલતસિંહ ભાવસિંહ સોલંકી ફાયનાન્સનો ધંધો કરતા હોવાનું તેમજ તેમના વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ ભક્તિનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને LCB સહિતની ટીમો દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટનો કોઠારીયા મેઈન રોડ ગીચ વિસ્તાર છે, અહીંયા મેઈન રોડ પર રાત્રિના 12 વાગ્યા સુધી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. આમ છતાં આરોપીએ રોષે ભરાઈને મૃતક યુવાન પર જીવલેણ હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને હત્યાની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા.
આવા લુખ્ખા તત્વો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરો
હત્યાનો ભોગ બનેલા હર્મિશ ગજેરાના સાળા દીપેન પટેલે જણાવ્યું હતું કે, મારા જીજાજીની ગઈકાલે રાત્રીના નજીવી બાબતમાં હત્યા નિપજાવી દેવામાં આવી છે. તેઓનો કોઈ વાંક ન હતો આમ છતાં તેમના પર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી દેવામાં આવી છે. અમારી માગ છે કે પોલીસ તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી પાડે અને આવા લુખ્ખા તત્વો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અમને ન્યાય અપાવે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અમને ઝડપથી ન્યાય અપાવવામાં આવે તેવી પોલીસ અને સરકાર પાસે અમારી માગણી છે, કારણ કે આજે અમે અમારું સ્વજન ગુમાવ્યું છે, આગળ અન્ય કોઈ પોતાનું સ્વજન ન ગુમાવે તે માટે અમે સરકાર અને પોલીસ પાસે સખ્ત કાર્યવાહીની માગ કરી રહ્યા છીએ.
Source link