લોકોને ઓક્સિજનની જેટલી જરૂર છે તેટલી જ જરૂર આધારકાર્ડની સરકાર દ્વારા લોકો માટે કરી નાખવામાં આવી છે. માણસના જન્મના દાખલાથી લઈ મરણ સુધી તમામ કામમાં આધારકાર્ડ અનિવાર્ય છે. સરકારની તમામ યોજનાઓનો લાભ જોઈતો હોય તો આધારકાર્ડ જોઈએ જ તેના વગર ફોર્મ જ ભરી ન શકાય.
આધારકાર્ડની કામગીરી છેલ્લા 6 મહિનાથી કોઈ કારણસર બંધ
લોકો સરકારના આધારકાર્ડ ફરજીયાતના હુકમથી સારી રીતે વાકેફ હોવાથી નવા આધારકાર્ડ તેમજ આધારકાર્ડ અપડેશન માટે આધારકાર્ડ સેન્ટરે જતા હોય છે. પરંતુ જ્યારે ત્યાં જાય ત્યારે ધરમના ધક્કા જ ખાવા પડે છે. જેતપુર શહેરમાં હાલ મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસ બે જ જગ્યાએ આધારકાર્ડને લગતી કામગીરી કરવામાં આવે છે. જ્યારે 0થી 5 વર્ષ સુધીના બાળકોની આધારકાર્ડની કામગીરી છેલ્લા 6 મહિનાથી કોઈ કારણસર બંધ છે. બે જ જગ્યાએ આધારકાર્ડની કામગીરી કરવામાં આવતી હોય ભારે ભીડ થાય છે. જેમાં હાલ રેશનકાર્ડની e-kyc તેમજ બાળકોને સ્કૂલમાં આધારકાર્ડની ખાસ જરૂરિયાત હોવાથી લોકો આધાર સેન્ટર ખાતે મેળો ભરાય તેટલી ભીડ થાય છે. જેમાં એક સેન્ટર ખાતે માંડ માંડ 60 જેટલા આધારકાર્ડની કામગીરી થઈ શકે છે, જેથી લોકોને ધરમના ધક્કા થાય છે.
વહેલી સવારથી લોકો ટોકન લેવા માટે પોસ્ટ ઓફિસ પહોંચી જાય છે
પોસ્ટ ઓફિસ ખાતે વહેલી સવારે પાંચ વાગ્યે કડકડતી ઠંડીમાં માતાઓ નાના બાળકોને લઈને આવી જાય છે, જેથી વારો આવી જાય. ત્યારે પોસ્ટ ઓફિસનો ગેટ પણ ખુલ્યો નથી હોતો. જેથી ગેટ બહાર રોડ પર અંધારામાં ઉભા રહી જાય છે. તેવી જ રીતે રોજગારીમાં રજા રાખી વહેલી સવારે આવી જાય છે, પરંતુ તેઓને આધારકાર્ડનું ટોકન મળે છે અને તેમાં અઠવાડિયે પંદર દિવસે વારો આવશે તેટલો નંબર આપવામાં આવે છે.
તંત્રને કરી અનેકવખત રજૂઆત પણ કોઈ પરિણામ નહીં
એટલે પહેલા ટોકન મેળવવામાં રજા અને હેરાનગતિ ત્યારબાદ આધારકાર્ડ અપડેશન કે નવા માટે આવે ત્યારે કામદાર હોય તો કામમાં અને વિદ્યાર્થી હોય તો સ્કૂલમાં રજા રાખી રાખીને આવવું પડે છે. આધારકાર્ડની કામગીરીમાં પારાવાર મુશ્કેલી બાબતે લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ સરકારના બહેરા કાન હોય લોકોની વાત કોઈ સાંભળતું નથી. તેમ છતાં લોકો સરકાર પાસે આધારકિટ વધારવાની માગ કરી રહ્યા છે, જેથી આધારકાર્ડમાં પડતી મુશ્કેલીમાંથી રાહત મળે.
Source link