- ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટર્સમાં પુત્રએ માનસિક બીમાર માતાની કરી હત્યા
- પોલીસે ઘટનાસ્થળ પરથી હત્યારા પુત્રની ધરપકડ કરી તપાસ હાથ ધરી
- માતાની હત્યા કર્યા બાદ માતા સાથે લીધેલી સેલ્ફી પુત્રએ વોટ્સએપમાં સ્ટેટ્સમાં અપલોડ કરી
તહેવારોમાં રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ શાંત રહ્યા બાદ તહેવારો પુરા થતાં જ રાજકોટમાં હત્યાનો બનાવ બનતાં સનસનાટી મચી ગઈ છે. પુત્રએ માતાની હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે ભગતસિંહજી ગાર્ડન નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટર્સમાં કંધોતરે માનસિક બીમાર માતાની હત્યા કરી નાખતાં આ મામલે પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે.
પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી
મુળ કચ્છ-ભુજના વતની બાવાજી પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ આવ્યો હોય અને છેલ્લા 12 વર્ષથી માનસિક બીમાર માતાની સેવા કરતા પુત્રએ આજે તેની માતાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાના મિત્રને આ બાબતે જાણ કરતા મિત્રએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કર્યા બાદ યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હત્યારા પુત્રની ધરપકડ કરી છે.
આ બનાવ અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરાઈ
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ આજે સવારે પોલીસ કંટ્રોલરૂમ ખાતે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યકિતએ કંટ્રોલરૂમના સ્ટાફને યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં.103માં રહેતા જયોતીબેન ગોસાઈની તેમના પુત્રએ હત્યા કરી હોવાની જાણ કરી હતી. આ અંગેની માહિતી મળતા જ પોલીસ કંટ્રોલરૂમના સ્ટાફે તાત્કાલીક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
પુત્રએ જ માતાની કરી હત્યા
યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફોન કરનારે જયોતીબેની હત્યા તેમના જ પુત્ર નિલેશે કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસ સ્ટાફ જ્યારે હાઉસીંગ બોર્ડ કવાટર્સમાં પહોંચ્યો ત્યારે નિલેશ ગોસાઈ ત્યાં હાજર મળી આવતા તેની ધરપકડ કરી હતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
હત્યાનું કારણ અને કઈ રીતે હત્યા થઈ તે સહિતની બાબતો ઉપર પોલીસે નિલેશની પ્રાથમિક પુછપરછ શરૂ કરી હતી. બીજી તરફ જયોતીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મુળ કચ્છ-ભુજના જયોતીબેન જશવંતગીરી ગોસાઈની હત્યા ગળેટૂંપો આપી તેમના પુત્ર નિલેશે કરી હતી. છેલ્લા 12 વર્ષથી માનસિક બીમાર જયોતીબેન ત્રણ વર્ષથી પુત્ર નિલેશ સાથે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટર્સમાં ભાડેથી રહેતા એક ખાનગી કંપનીમાં નોકરી કરતો નિલેશ માતાની સેવા કરતો હતો અને આજે સવારે તેણે જયોતીબેનના ગળેટૂંપો આપી તેમને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાના મિત્રને હત્યા બાબતની જાણ કરી હતી.
માતાની બીમારીથી કંટાળી પુત્રએ કરી હત્યા
જયોતીબેનના લગ્ન જશવંતગીરી સાથે થયા બાદ 20 વર્ષ પૂર્વે તેમના છુટાછેડા થયા હતાં. તેમને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. જેમાં નિલેશ સૌથી નાનો હોવાનું જાણવા મળ્યું છે. માનસિક બીમાર જયોતીબેનની બીમારીથી કંટાળી કંધોતર નિલેશે જ હત્યા કરી નાખી હોય આ બાબતે પોલીસે તેના અન્ય ભાઈ અને બહેનને જાણ કરી છે અને આ મામલે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, હત્યારા પુત્રએ માતાની હત્યા કર્યા બાદ માતા સાથે લીધેલી સેલ્ફી વોટ્સએપમાં સ્ટેટ્સમાં અપલોડ કરી હતી. જેમા લખ્યું હતું કે, ‘આઈ એમ કીલ ટુ માય મોમ -લોસ માય લાઈફ, સોરી મોમ – ઓમ શાંતિ.
Source link