સુરેન્દ્રનગરના પાટડીમાં ચોરીના ઇરાદે અજાણ્યા શખ્સોએ વૃદ્ધની હત્યા બાદ કાન કાપીને સોનાના દાગીના લઇ ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક હૈયું કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં કોઈ અજાણ્યા શખ્સોની ટોળકી મધરાતે લૂંટના ઇરાદેથી આવી અને લૂંટ સાથે એક વૃદ્ધાની હત્યા કરીને જતી રહી છે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વડગામમાં એક વૃદ્ધા રૂમમાં એકલા સુતા હતા. ત્યારે વહેલી સવારે અજાણ્યા શખ્સની ટોળકીએ વૃદ્ધાની હત્યા કરી, માજીના કાન કાપી કાનમાં પહેરેલ સોનાની કડીઓ તથા હાથ અને પગમાં પહેરેલા સોનાના ભારે પાટલા લૂંટી માજીને ચાદર ઓઢાડીને ફરાર થઈ ગયા છે.
મળતી માહિતી પ્રમાણે, માજી ઘરમાં એકલા રહેતા હતા અને તેમનો એક દિકરો તેમની બાજુના મકાનમાં રહેતો હતો. સવારે જ્યારે તેમના દિકરાની વહુ ચા માટેનું પુછવા ગયા ત્યારે તેમણે ઘણીવાર સુધી માજીને બુમ પાડી પરંતુ માજીએ જવાબ ન આપ્યો. આખરે વહુએ ઓઢવાનું ખસેડતા ખબર પડી કે માજી સાથે લૂંટ અને હત્યાની ઘટના બની છે. વડગામ જેવા નાના ગામમાં હત્યાની ઘટના બનતા ગામમાં પણ ભય અને ચકચાર મચી જવા પામી છે. પરિવારના સભ્યોમાં શોકનો માહોલ ફેલાયો છે. પરિવારજનોને મામલાની જાણ થતાં તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને જિલ્લા પોલીસવડા અને DYSP સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લૂંટ સાથે મર્ડરનો કેસ દાખલ કરી ફરાર આરોપીને શાધવા આગળ તપાસ હાથ ધરી છે.
Source link