વડોદરા શહેરમાં જ નહીં જિલ્લામાં પણ પૂરે તારાજી સર્જી અને એ પછી પાણી ઉતર્યા ત્યારે તંત્ર ન પહોંચતા લોકોએ મજબૂરીવશ જાતે સફાઈ કરવી પડી હતી. હવે જિલ્લાના તંત્રએ ‘સ્વચ્છતા હી સેવા’ નામે સફાઈ અભિયાન શરૂ તો કર્યું પરંતુ કેન્દ્ર સરકારની વેબ સાઈટ પર ફોટો અપલોડ કરવાની લ્હાયમાં આ સફાઈ અભિયાન શો ઓફ અભિયાન જેવું બની ગયું છે.
સરકારી અધિકારીઓ- કર્મચારીઓ ટીપટોપ તૈયાર થઈને હાથમાં ઝાડુ સાથે ચોખ્ખી જગ્યાઓ પરથી સૂકો કચરો સાફ કરીને માત્ર ફોટા પડાવીને દેખાડો કરતા હવે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ બધુ સમજી ગયાં છે. ત્યારે લોકો સવાલ પૂંછે છે કે, જ્યારે ચારેતરફ ગંદવાડો હતો ત્યારે ક્યાં ગયા હતાં ?
પૂરના પાણી ઓસર્યાને 15 દિવસ જેટલો સમય થઈ ગયો, ત્યારે જિલ્લા વહિવટી તંત્રને સ્વચ્છતા હી સેવા હોવાનું મોડે મોડે બ્રહ્મજ્ઞાન લાધ્યુ અને આજથી તા.18 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનની ઉજવણી શરૂ કરી છે. મોટાભાગે બધે સફાઈ થઈ ગઈ ત્યારે હવે કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી હસ્તક નોકરીઓ કરતા અધિકારીઓ -કર્મચારીઓ હાથમાં ઝાડુ લઈને સ્ટાઈલથી સફાઈમાં જોડાયાં હતા. નવાનક્કોર કપડા પહેરીને ટીપટોપ તૈયાર થઈને હાથમાં ગ્લોઝ પહેરી ઝાડુ સાથે સફાઈ કરતા ફોટા પડાવ્યા હતા અને કેન્દ્ર સરકારની swachhtahisevagujarat.com અપલોડ કર્યા હતાં, પરંતુ આ બધો માત્ર ફોટોસેશન પૂરતો દેખાડો ગ્રામ્ય વિસ્તારની જનતા પણ સમજી ગઈ છે.
સોખડા ગામે સફાઈ અભિયાનમાં ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઈ સહિતનો સ્ટાફ બબ્બે ફૂટના અંતરે ઊભા રહીને હાથમાં ગ્લોઝ પહેરીને ટનાટન તૈયાર થઈને ચોખ્ખી જગ્યાની સફાઈ કરી હતી. આવી ઘણી જગ્યાએ સફાઈ અભિયાન ચલાવાયું અને લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યાં, પણ એક પણ સરકારી અધિકારી કે કર્મચારીઓએ કુદરતી નાળા, નદી, તળાવો, લોકોના ઘરની બહાર ભરાતા ગંદા પાણીના ખાબોચીયામાં સફાઈ ન કરી. જેથી આ અભિયાન સિમ્બોલીક બની રહ્યું હતું.
આજે જિલ્લાના વરસડા, કાયાવરણ, શિનોર, મુજપુર, સોખડા, કોઠાવ, અંજેસર સહિત અનેક ગામોમાં સફાઇ ઝુંબેશ કાર્યક્રમમાં મહાનુભાવોએ લોકોને ઉપરોક્ત વેબસાઈટપર સ્વચ્છતાના સંકલ્પની સેલ્ફી અપલોડ કરવા અપીલ કરી હતી. સ્થાનિક લોકોએ સફાઈ અને ઝુંબેશનો દેખાડો શરૂઆત થી નીહાળ્યો હતો.
Source link