સાયલા કોર્ટમાં દાખલ થયેલા એક ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને નીર્દોષ જાહેર કર્યો છે. જયારે ફરિયાદીને રૂપીયા 15 હજાર વળતર પેટે આરોપીને ચુકવવા આદેશ થયો છે. ટ્રકના વેચાણ કરાર બાદ ટ્રક સળગી જતા અને આરોપીના નામે ન થયો હોવા છતાં ફરિયાદીએ કેસ કર્યો હતો.
સાયલાના ખાટકીવાસમાં રહેતા મહેબુબભાઈ વલીભાઈ બાબી અને સાયલાના મદારગઢ ગામે રહેતા કટોસણા શંકરભાઈ બાલજીભાઈ બન્ને ડ્રાઈવીંગ કરે છે. આથી બન્ને વચ્ચે વિશ્વાસજન્ય સબંધો બંધાયા હતા. મહેબુબભાઈએ પોતાનો ટ્રક શંકરભાઈને રૂપીયા 8.50 લાખમાં વેચાણથી આપ્યો હતો. જેનું નોટરી સમક્ષ તા. 26-11-18ના રોજ લખાણ કરાવાયુ હતુ. જેના બદલામાં શંકરભાઈએ ચેક આપ્યો હતો. આ ચેક તા. 18-4-2019ના રોજ મહેબુબભાઈએ બેંકમાં ભરતા એકાઉન્ટ હેઝ બીન કલોઝડના શેરા સાથે પરત ફર્યો હતો. આથી મહેબુબભાઈએ તા. 24-પ-2019ના રોજ ચેક રીટર્નનો કેસ સાયલા કોર્ટમાં દાખલ કર્યો હતો.
આ કેસ ચાલવા દરમીયાન ધ્યાને આવ્યુ કે, નોટરી સમક્ષ કરાર બાદ તા. 1-1-2019ના રોજ ટ્રક ભરૂચ રેલવેમાં સળગી ગયો હતો. અને ટ્રક આજ દિન સુધી શંકરભાઈ નામે થયો નથી. આથી આરોપીના વકીલ એચ.કે.જોગરાણાની દલીલો, 4 મૌખીક અને 13 દસ્તાવેજી પુરાવાના આધારે જજ જે.વી.ચૌહાણે આરોપી શંકરભાઈ બાલજીભાઈ કટોસણાને નીર્દોષ જાહેર કર્યા હતા. અને ફરિયાદીએ ચેકની 20 ટકા રકમ રૂપીયા 1.70 લાખ વચગાળાના વળતરની રકમ આરોપીને ચુકવવા હુકમ કરાયો છે.
આ ઉપરાંત ફરિયાદી પોતાનું વાહન સળગી ગયાનું જાણવા છતાં ખોટી ફરિયાદ દાખલ કરી આરોપીને થયેલ માનસીક ત્રાસ પેટે ફરિયાદીને 15 હજાર વળતર પેટે આરોપી શંકરભાઈને ચુકવવા પણ હુકમ કરાયો છે.
Source link