સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના દસાડા અને પાનવા ગામે અસામાજિક પ્રવૃત્તિએ માઝા મૂકી હોય તેવી ઘટના સામે આવી છે. દસાડા અને પાનવા ગામે દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાના કારણે દારૂડિયાઓ બેફામ બન્યા હોવાની રજૂઆત ગ્રામ પંચાયતને કરવામાં આવી છે.
ગામમાં બેફામ દેશી દારૂનો વેપલો
ગ્રામ પંચાયત દ્વારા દસાડા પોલીસને છેલ્લા એક માસથી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં ન લેવામાં આવ્યા હોય તેવા આક્ષેપો થયા છે. જેમાં દસાડા ગામે બહારના લોકો વ્યાજખોરી કરતા હોવાની પણ રાવ થઈ છે. બેફામ દેશી દારૂનો વેપલો થતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. પાનવા ગામે એક બે નહીં પરંતુ 14 ઠેકાણે દેશી દારૂનો વેપલો થતો હોવાની રાવ ઉઠી છે. પાનવા ગામમાં ઠેર ઠેર દેશી દારૂની દુર્ગંધ આવતી હોય તેવી પોટલીઓથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.
પોલીસની કામગીરી સામે અનેક સવાલો
આ બાબતે ગ્રામ પંચાયતના સદસ્ય સહિતના દ્વારા દસાડા પોલીસને લેખિતમાં રજૂઆત કરવા છતાં ચોક્કસ કાર્યવાહી ન કરવામાં આવી હોવાની બુમરાણ મચી છે, આટલું જ નહીં રજૂઆત કરનારને ખોટી રીતે હેરાન કરાતા હોવાની પણ માહિતી સામે આવી છે, દસાડા પોલીસ દ્વારા કયા કારણોસર કાર્યવાહી નહીં કરાતી હોય તેવા સવાલો ઊભા થયા છે. ઉચ્ચ કક્ષાએ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે નાના ગામમાં દેશી દારૂના અડ્ડાઓના કારણે નાની વયમાં મહિલાઓ વિધવા અને બાળકો પિતા વિનાના થતા હોવાના પણ અનેક દાખલાઓ છે.
દારૂના અડ્ડા કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માગ
તેવામાં પોલીસ દ્વારા ચોક્કસ કાર્યવાહી કરી દારૂના અડ્ડા કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. મહત્વનું છે કે તાજેતરમાં જ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દસાડા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી, જે સંદર્ભે પીએસઆઈની બદલી અને પોલીસ જવાનો પણ સસ્પેન્ડ થયા હતા, ત્યારે ફરી સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે, જેનો ભોગ ગ્રામજનો બની રહ્યા છે.
Source link