GUJARAT

ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે મળતી લોનની મર્યાદા 3લાખથી વધારી 7 લાખ કરો

ભારે વરસાદને પગલે રાજ્યના અનેક ક્ષેત્રોમાં કૃષિ પાકો અને જમીનનુ ધોવાણ થયુ છે. આવી પરિસ્થિતિમાં નુકશાન સર્વે ઝડપથી પૂર્ણ કરીને ખેડૂતોને પોષણક્ષમ વળતર આપવા ભારતીય કિસાન સંઘે ગુજરાત સરકાર સમક્ષ માંગણી કરી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કિસાન સંઘ તરફથી ખેડૂતોને હાલમાં ઝીરો ટકાએ મળતી લોનમાં ધીરાણની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચથી સાત લાખ કરવા પણ રજૂઆત કરાઈ છે.

કિસાન સંઘે પાક અને જમીન નુકસાન માટે સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરાવીને સરકારને અંત્યોદય અને નાના ખેડૂતો સહાયથી વંચીન ન રહી જાય તેની કાળજી રાખવા પણ સુચન કર્યુ છે. સર્વેની કામગીરીમાં બાગાયત પાક, ખેતી પાક અને શાકભાજીના ઉત્પાદન કરતા ખેડૂતોની સાથે સાથે વધુ વરસાદ પડવાથી જમીન ધોવાણના પણ કિસ્સા બન્યા છે. તે બધાનો સહાયની અંદર સમાવેશ કરવા તેમજ પોષણક્ષમ સહાય આપવા રજૂઆત કરી છે. કિસાન સંઘે કેટલીક બેંકો દ્વારા ઝીરો ટકા વ્યાજે અપાતી લોનના વ્યાજની રકમ ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ તેવી બેંકોને સત્વરે કાર્યવાહી કરવા સરકાર હસ્તક્ષેપ કરે તેવી માગણી કરી છે.

ગુજરાતમાં ચાઈનીઝ લસણ કેવી રીતે આવ્યુ ? સરકાર તપાસ કરે

ભારતીય કિસાન સંઘે સૌરાષ્ટ્રના ગોંડલમાં 30 બોરી એટલે કે અંદાજે 600 કિલો ચાઈનીઝ લસણ મળ્યાના અહેવાલને ટાંકીને ગુજરાત સરકારે આવુ પ્રતિબંધિત લસણ આવ્યુ ક્યાંથી ? તેની તત્કાળ પ્રભાવથી તપાસ કરીને એક્શન લેવા રજૂઆત કરી છે. ગોંડલ માર્કેટયાર્ડમાં બે દિવસ પહેલા લસણની આવકમાં 30 બોરી ચાઈનીઝ લસણ આવ્યુ હતુ. સ્થાનિક કૃષિ બજારના અધિકારીઓના દાવા મુજબ ચાઈનીઝ લસણ એ આરોગ્ય માટે હાનિકારક હોવાથી ભારત સરકારે તેના પર પ્રતિબંધ મુક્યો છે. આવી સ્થિતિમાં પ્રતિબંધિત લસણ કોણે મંગાવ્યુ અને ક્યાંથી આવ્યુ તે મુદ્દે સવાલો ઉઠયા છે. કિસાન સંઘનું કહેવુ છે કે, આવુ લસણ એ ભારતના ખેડૂતો માટે પણ જોખમી છે. તેના કારણે ખેડૂતોને ભારે નુકશાન ઉઠાવવાનો વારો આવશે. એથી, સરકારે તત્કાળ અસરથી તપાસ કરીને ખરેખર આ જથ્થો કોણે મોકલ્યો, કોને મોકલ્યો તેનો તાગ મેળવી અહી ઉત્પાદન થતુ હોય તો તેવા કિસ્સામાં કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કિસાન સંઘે જી.એમ.પાકોના બિયારણનુ આડેઘડ થતું વેચાણ રોકવા પણ માંગણી કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button