SPORTS

IND vs BAN: ભારતના 4 ખેલાડીઓ બનાવશે રેકોર્ડ, આ બોલર રચશે ઈતિહાસ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો 280 રને વિજય થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર અનુભવી સ્પિન બોલર આર અશ્વિને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. રવિચંદ્રન અશ્વિન આ મેચમાં વધુ 6 મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તેમજ વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા બેટ્સમેન પણ આ મેચમાં ઈતિહાસ રચી શકે છે.

રવિચંદ્ર અશ્વિન બનાવી શકે છે 6 નવા રેકોર્ડ

પ્રથમ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને 113 રનની સદીની ઇનિંગ રમી હતી અને બીજી ઇનિંગમાં 6 વિકેટ લઈને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. તેણે સૌથી વધુ વખત 5 વિકેટ લેવાના મામલે શેન વોર્નના રેકોર્ડની બરાબરી કરી હતી. હવે રવિચંદ્રન અશ્વિન કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ઘણા વધુ રેકોર્ડ બનાવી શકે છે.

અહીં જુઓ આ મેચમાં અશ્વિન કયો રેકોર્ડ બનાવી શકે છે.

  • આ મેચની ચોથી ઇનિંગમાં 1 વિકેટ લઈને આર અશ્વિન ચોથી ઇનિંગમાં 100 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની જશે. આવું કરનાર તે વિશ્વનો છઠ્ઠો બોલર હશે.
  • જો આર અશ્વિન આ મેચમાં 3 વિકેટ લે છે તો તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. અત્યાર સુધી આ રેકોર્ડ ઝહીર ખાનના નામે છે જેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં કુલ 31 વિકેટ લીધી છે. જ્યારે આર અશ્વિને બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 29 વિકેટ ઝડપી છે.
  • જો આર અશ્વિન આ મેચમાં 4 વિકેટ લે છે, તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની જશે. અશ્વિને અત્યાર સુધીમાં 52 વિકેટ ઝડપી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ આ યાદીમાં પ્રથમ સ્થાને છે.
  • જો આર અશ્વિન આ મેચમાં પણ 5 વિકેટ લેશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં 38મી વખત આ સિદ્ધિ હાંસલ કરશે. આ મામલે તે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ન (37)ને પાછળ છોડી દેશે.
  • જો આર અશ્વિન આ મેચમાં 8 વિકેટ લે છે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ બોલર બની જશે. આર અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 180 વિકેટ લીધી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના નાથન લિયોને કુલ 187 વિકેટ લીધી છે.
  • જો આર અશ્વિન આ મેચમાં 9 વિકેટ લે છે તો તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો 7મો બોલર બની જશે. આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 522 વિકેટ લીધી છે. તે 9 રન લઈને ઓસ્ટ્રેલિયાના નાથન લિયોન (530)ને પાછળ છોડી દેશે.

વિરાટ કોહલી બનાવી શકે છે આ રેકોર્ડ

કાનપુરમાં વિરાટ કોહલીને પણ ઈતિહાસ રચવાની તક મળશે. જો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી આ મેચમાં 35 રન બનાવશે તો તે 27000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરી લેશે. તે જ સમયે, જો વિરાટ કોહલી આ મેચમાં 7 બાઉન્ડ્રી ફટકારે છે, તો તે 1000 બાઉન્ડ્રી ફટકારનાર 5મો ભારતીય ક્રિકેટર બની જશે.

કેએલ રાહુલ મેળવી શકે છે આ સિદ્ધિ

જો કેએલ રાહુલ આ મેચમાં 99 રન બનાવશે તો તે 3000 રન બનાવનાર બેટ્સમેનોની ક્લબમાં સામેલ થઈ જશે.

જાડેજા પાસે પણ મોકો

રવિન્દ્ર જાડેજાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 73 ટેસ્ટ મેચમાં કુલ 299 વિકેટ લીધી છે અને 3,122 રન બનાવ્યા છે. હવે તે ટેસ્ટ ઈતિહાસમાં 300 વિકેટ અને 3,000 રન બનાવનાર બીજા સૌથી ઝડપી ખેલાડી બનવાની અણી પર છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ માત્ર 1 વિકેટ લેવાની છે. ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી ઈયાન બોથમે 72 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button