સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશને 133 રને હરાવી ટી20 સિરીઝ 3-0થી જીતી લીધી હતી. T-20 ઈન્ટરનેશનલમાં ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે. ટીમે અગાઉ 2023માં અમદાવાદમાં ન્યૂઝીલેન્ડને 168 રને અને 2018માં આયર્લેન્ડને 143 રનથી હરાવ્યું હતું.
આ મેચમાં સંજુ સેમસનને તેની મજબૂત સદી માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો મેડલ આપવામાં આવ્યો હતો. સિરીઝ સમાપ્ત થયા પછી, ભારતીય ડ્રેસિંગ રૂમમાં સિરીઝના શ્રેષ્ઠ ફિલ્ડરને પણ જાહેર કરવામાં આવ્યા હતા.
વોશિંગ્ટન સુંદરે જીત્યો મેડલ
ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે હાર્દિક પંડ્યા અને રેયાન પરાગને હરાવીને આ મેડલ જીત્યો હતો. ફિલ્ડિંગ કોચ તેના નામની જાહેરાત કરે છે. બીસીસીઆઈએ તેના ટ્વિટર હેન્ડલ પર તેનો વીડિયો શેર કર્યો છે. આમાં ફિલ્ડિંગ કોચે પહેલા હાર્દિકના વખાણ કર્યા અને કહ્યું કે તેણે મેદાન પર ઘણી એનર્જી બતાવી. દિલીપે ભારતીય ટીમમાં ભાઈચારાની પણ પ્રશંસા કરી, જ્યાં યુવા મયંક યાદવ અને નિતીશ કુમાર રેડ્ડીને ટીમ તરફથી મજબૂત સમર્થન મળ્યું. આ બંને ખેલાડીઓએ આ સિરીઝ દ્વારા તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
મેં હંમેશા મારું 100% આપ્યું: સુંદર
સિરીઝનો બેસ્ટ ફિલ્ડરનો મેડલ જીત્યા બાદ સુંદરે કહ્યું કે તેણે હંમેશા મેદાન પર પોતાનું 100 ટકા આપ્યું છે. તેણે કહ્યું, ‘સાચું કહું તો તે અદ્ભુત લાગે છે. જ્યારે પણ હું મેદાન પર હોઉં છું ત્યારે હું મારું 100 ટકા આપવાનો પ્રયત્ન કરું છું. દરેક વ્યક્તિ મેદાનમાં યોગદાન આપી શકે છે, પછી ભલે તે પરિસ્થિતિ ગમે તે હોય. હું આ મેડલ માટે ખૂબ જ આભારી છું. ટી દિલીપ સર અને સમગ્ર સપોર્ટ સ્ટાફનો આભાર.’ સુંદરે આ સિરીઝમાં ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યાં તેનો ઈકોનોમી રેટ 5 રન હતો. સેમસન 150 રન બનાવીને સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો જ્યારે વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી.